Get The App

રાજકોટના નિરાધાર વડીલોને રોજ 2 ટંક ફ્રી ભોજન આપતું રસોડું ખુલ્યું

Updated: May 20th, 2026

GS TEAM

Google News
Google News
રાજકોટના નિરાધાર વડીલોને  રોજ 2 ટંક ફ્રી ભોજન આપતું રસોડું ખુલ્યું 1 - image

મોંઘવારીના અસહ્ય તાપમાં સેવાભાવનો શીતળ છાંયડો : ઇન્દિરા સર્કલ પાસે અનોખા રસોડા સાથે પથારીવશ બિમાર વડીલોને 4 વર્ષથી  ઘરે ઘરે ટિફિન પહોંચાડવાનો સેવાયજ્ઞ 

 રાજકોટ, : 'માનવ સેવા એ જ પ્રભુ સેવા'ને ચરિતાર્થ કરતા રામરચિત ટ્રસ્ટ દ્વારા રાજકોટના આંગણે 'નિઃશુલ્ક રસોડા'ની શુભ શરૂઆત કરવામાં આવી છે. રાંઘણ ગેસના ભાવ આસમાને છે ત્યારે રાજકોટના નિઃસંતાન, નિરાધાર અને આર્થિક રીતે સક્ષમ ન હોય તેવા વૃદ્ધો માટે ઇન્દિરા સર્કલ ખાતે અનોખી ભોજન સેવા શરૂ કરવામાં આવી છે.

રાજકોટનું રામરચિત ટ્રસ્ટ નિઃ સહાય, નિઃસંતાન, નિરાધાર, આર્થિક અને શારિરીક રીતે અક્ષમ વડીલો અને પ્રાણી માટે વરદાનરૂપ કામગીરી કરી રહ્યું છે. છેલ્લા 4 વર્ષથી કેન્સર, લકવા અને પેરેલીસીસ જેવી ગંભીર બિમારીઓ સામે ઝઝુમતા 177  વૃદ્ધોને ઘરે ટિફિન પહોંચાડી જમાડવાની વ્યવસ્થા કરે છે. 

આ કાર્ય દરમિયાન અન્ય નિઃ સહાય વડીલો જમવાનું મળે તે માટે મદદ માંગતા હતા. તેમની વેદનાને ધ્યાને રાખી રામરચિત ટ્રસ્ટ દ્વારા ઇન્દિરા સર્કલ પાસે ડૉ. વિઠ્ઠલાણીના દવાખાનાની નીચે નિઃશુલ્ક રસોડાની શરૂઆત કરવામાં આવી છે. જ્યાં ડાઇનિંગ હૉલ જેવી વ્યવસ્થામાં એક દિવસમાં 250 જેટલા વૃદ્ધો પૌષ્ટિક ખોરાક લઇ શકે છે. 

આ અંગે ટ્રસ્ટી અમુભાઇ છાયા કહે છે કે, 'અમારી પાસે મર્યાદિત જગ્યા હોવાથી વડીલોની આર્થિક અને પારિવારિક સ્થિતિની તપાસ કરીએ છીએ. અત્યાર સુધીમાં 45 જેટલા વડીલોની કાયમી નોંધણી કરવામાં આવી છે. વડીલો સુલભ વ્યવસ્થામાં શાંતિપૂર્ણ રીતે જમી શકે તે માટે ભોજનાલય જેવી વ્યવસ્થા અને જરૂરીયાતમંદ વડીલોને જ ભોજન મળે તે માટે બાયોમેટ્રીકની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે.'