- સરકારી અને આઉટ સોર્સિગના કર્મીઓની કફોડી સ્થિતિ
- જિલ્લા વિકાસ અધીકારી સહિત ઉચ્ચ અધિકારીઓને વારંવાર રજૂઆતો, ઉકેલ નહીં તો આંદોલનની ચીમકી
નડિયાદ : નડિયાદમાં ખેડા જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગમાં વહીવટી શિથિલતાના કારણે કર્મચારીઓને ૩ મહિનાથી વેતન મળ્યું નથી. આ મામલે વારંવાર રજૂઆતો છતાં પણ તંત્ર દ્વારા હકારત્મક ઉકેલ નહીં આવતા કર્મચારીઓના આર્થિક વ્યવહારો ખોરવાયા છે અને પરિવારમાં અસંતોષ ફેલાયો છે.
ખેડા જિલ્લા પંચાયત હસ્તકના માર્ગ અને મકાન વિભાગમાં ફરજ બજાવતા કાયમી અને આઉટ સોર્સિગ એજન્સી હેઠળના કર્મચારીઓ માટે ૩ મહિનાથી વહીવટી તંત્રની બેદરકારી અને સંકલનના અભાવે સમયસર કર્મચારીઓનો પગાર ચુકવવામાં આવતો નથી. ખાસ કરીને આઉટ સોર્સિગ દ્વારા નાના કર્મચારીઓની સ્થિતિ કફોડી બની છે. ૩ મહિનાથી પગાર નહીં ચુકવાતા ઘરના બજેટને અસર થઇ છે.
આ બાબતે જિલ્લા વિકાસ અધિકારી અને અન્ય ઉચ્ચ અધિકારીએોને કર્મચારીઓએ અનેક વખત લેખિત અને મૌખિત રજૂઆતો કરી છે પરંતુ હજુ સુધી ઉકેલ આવ્યો જ નથી. અધિકારીઓ બહાના બતાવીને સમય પસાર કરી રહ્યાનો કર્મચારીઓએ આક્ષેપ કર્યો છે.
મકાનનું ભાડુ ભરવા, બાળકોની સ્કૂલ ફી ચૂકવવા અને રોજિંદી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ખરીદવા માટે કર્મચારીઓને દેવું કરવાની નોબત આવી છે. બજેટ કે ગ્રાન્ટના ટેકનિકલ પ્રશ્રો આગળ ધરીને પગારમાં વિલંબ કરવામાં આવ્યો છે. જવાબદાર અધિકારીઓ સામે પગલાં ભરવાની માગણીઓ કરી છે.
માર્ગ અને મકાન વિભાગના કામકાજ પર પગાર વિવાદની અસર થઇ છે. જો આગામી દિવસોમાં તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી તમામ બાકી પગાર ચૂકવવાની વ્યવસ્થા કરવામાં નહીં આવે, તો કર્મચારીઓએ એકત્રિત થઈને આંદોલનાત્મક પગલાં ભરવાની અને કામગીરીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે. સત્તાધીશોના મૌન સામે હવે કર્મચારી સંગઠનો પણ મેદાને આવે તેવી શક્યતા છે.


