Gujarat

નડિયાદ સહિત ખેડા જિલ્લામાં ઠેરઠેર વરસાદી ઝાપટાં પડતા ઠંડક પ્રસરી ગઇ

By GS Team
8 Jun 20201 min read
This article was originally published on 8 Jun 2020
નડિયાદ સહિત ખેડા જિલ્લામાં ઠેરઠેર વરસાદી ઝાપટાં પડતા ઠંડક પ્રસરી ગઇ

નડિયાદ તા.8 જૂન 2020, સોમવાર

ખેડા જિલ્લાના વડા મથક નડિયાદ શહેરના કેટલાક તાલુકામાં મેઘસવારી આવી પહોંચી હતી.  છેલ્લા બે દિવસથી વરસાદી ઝાપટાં વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને ચરોતરવાસીઓએ અસહ્ય ગરમીમાં શાતા અનુભવી છે. 

જીલ્લાના વડામથક નડિયાદમાં મધ્યાંતરે પવન સાથે વરસાદી ઝાપટાં પડયા હતા. જેથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.બજારોમાં ખેડૂતો, વેપારીઓ અને સ્થાનિક નાગરિકો પ્લાસ્ટીકની ખરીદી કરતા નજરે ચડયા હતાં. બીજી તરફ શહેરના નિચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. જો કે, થોડાં કલાકો બાદ વરસાદી પાણી ઓસરી ગયા હતા. જીલ્લામાં છેલ્લા બે દિવસમાં પડી રહેલા વરસાદને કારણે ક્યાંક ખેડૂતોને નુકશાન છે તો ક્યાંક  ખેડૂતોને ફાયદો થતો હોવાનું જણાવી રહ્યાં છે. જોકે એકતરફ કોરોનાની મહામારી વચ્ચે વાતાવરણમાં ઠંડક પ્રસરતા કોરોનાના કેસોમાં વધારો થશે તેવું નગરજનોમાં ચર્ચાઈ રહ્યું છે. આજ રોજ જીલ્લામાં ખેડા, ગળતેશ્વર, નડિયાદ, મહુધા, મહેમદાવાદ અને માતર તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેમાં ખેડામાં ૨૬-મીમી, ગળતેશ્વર- ૦૩-મીમી, નડિયાદ- ૪૬-મીમી, મહુધા- ૦૯-મીમી, મહેમદાવાદ-૦૮-મીમી અને માતર તાલુકામાં ૦૧-મીમી વરસાદ વરસ્યો હતો. જ્યારે કઠલાલ, કપડવંજ, ઠાસરા અને વસો તાલુકામાં વરસાદી ઝાપટા જોવા મળ્યા હતાં.