Gujarat

ગુજરાતમાં ખરીફ વાવેતર 85 ટકા પૂર્ણ, બે પાકો રહ્યા ખેડૂતોની પહેલી પસંદ, જાણો કયો પાક કેટલો વવાયો?

By GS Team
10 Aug 20262 mins read
TukuTouch Logo
ગુજરાતમાં ખરીફ સિઝન-2026નું 85% વાવેતર પૂર્ણ થયું છે. કુલ 72.47 લાખ હેક્ટરમાં વાવેતર થયું, જેમાં કપાસ 21.22 લાખ હેક્ટર અને મગફળી 20.41 લાખ હેક્ટર સાથે મોખરે છે. સોયાબીન, અડદ અને મગફળીનું વાવેતર સામાન્ય વિસ્તાર કરતાં 100% વટાવી ગયું છે. ડાંગર 7.61 લાખ હેક્ટરમાં વાવેતર સાથે ધાન્ય પાકોમાં અગ્રેસર છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાતમાં ખરીફ વાવેતર 85 ટકા પૂર્ણ, બે પાકો રહ્યા ખેડૂતોની પહેલી પસંદ, જાણો કયો પાક કેટલો વવાયો?
AI તસવીર

Gujarat Kharif Sowing 2026: ગુજરાતમાં ચાલુ ખરીફ સિઝન-2026 દરમિયાન વાવેતરની કામગીરી પૂર્ણતા તરફ આગળ વધી રહી છે. રાજ્યના સામાન્ય સરેરાશ વાવેતર વિસ્તારની સામે અત્યાર સુધીમાં 72.47 લાખ હેક્ટર એટલે કે આશરે 85% વિસ્તારમાં વાવેતર સંપન્ન થઈ ચૂક્યું છે. જેમાં ગુજરાતના કૃષિ અર્થતંત્રમાં મહત્વનો ભાગ ભજવતા કપાસ અને મગફળીનું કુલ વાવેતરમાં 57%થી વધુ યોગદાન રહ્યું છે.

કપાસનું સૌથી વધુ 21.22 લાખ હેક્ટરમાં વાવેતર

રાજ્યમાં દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ કપાસ અને મગફળી ખેડૂતોની પહેલી પસંદ રહ્યા છે. રાજ્યમાં કપાસનું સૌથી વધુ 21.22 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે, જે સામાન્ય વિસ્તારના 89% છે. ત્યારબાદ બીજા ક્રમે મગફળીનું 20.41 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે, જે સામાન્ય વિસ્તારની સરખામણીએ 107% વાવેતર પૂર્ણ દર્શાવે છે.

વિસ્તારની સરખામણીએ વાવેતર

ચાલુ ખરીફ સિઝનમાં સોયાબીન, મગફળી અને અડદના વાવેતરમાં પણ અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો છે અને આ પાકોનું વાવેતર સામાન્ય વાવેતર વિસ્તારના 100%ને વટાવી ગયું છે. સોયાબીનનું સામાન્ય વાવેતર વિસ્તાર સામે સૌથી વધુ 3 લાખ હેક્ટરમાં (107%) વાવેતર નોંધાયું છે. આ ઉપરાંત અડદનું વાવેતર 84,510 હેક્ટરમાં (103%) સંપન્ન થયું છે. સામાન્ય વાવેતર વિસ્તારની સરખામણીએ અન્ય પાકોમાં મકાઈનું 2.68 લાખ હેક્ટરમાં (95%), તુવેરનું 2.38 લાખ હેક્ટરમાં (93%), ડાંગરનું 7.61 લાખ હેક્ટરમાં (86%), બાજરીનું 1.51 લાખ હેક્ટરમાં (84%) અને શાકભાજીનું 2.17 લાખ હેક્ટરમાં (81%) વાવેતર થઈ ચૂક્યું છે.

ધાન્ય પાકોમાં ડાંગર મોખરે

રાજ્યમાં ધાન્ય પાકોનું કુલ 11.99 લાખ હેક્ટર એટલે કે સામાન્ય વાવેતરની સરખામણીએ 87% વાવેતર નોંધાયું છે. જેમાં 7.61 લાખ હેક્ટર વાવેતર સાથે ડાંગર મોખરે અને 2.68 લાખ હેક્ટર વાવેતર સાથે મકાઈ દ્વિતીય ક્રમે છે. જુવારનું વાવેતર 12,402 હેક્ટરમાં થયું છે, જે ગત વર્ષે આ સમયગાળા દરમિયાન થયેલા 6,581 હેક્ટર વાવેતર કરતાં લગભગ બમણું છે. કઠોળ પાકોનું કુલ વાવેતર 3.57 લાખ હેક્ટર એટલે કે સામાન્ય વાવેતરની સરખામણીએ 86% સુધી પહોંચ્યું છે. જેમાં મુખ્યત્વે તુવેરનું 2.38 લાખ હેક્ટર (93%) અને અડદનું 84,510 હેક્ટર (103%) વાવેતર થયું છે. જ્યારે મગનું વાવેતર 25,301 હેક્ટર (45%) અને મઠનું વાવેતર 8,673 હેક્ટર (59%) નોંધાયું છે.

તેલીબિયાં પાકોમાં મગફળી મોખરે

તેલીબિયાં પાકોનું કુલ વાવેતર 25.93 લાખ હેક્ટર એટલે કે સામાન્ય વાવેતર વિસ્તારની સરખામણીએ 88% નોંધાયું છે. જેમાં મગફળી અને સોયાબીન ઉપરાંત દિવેલાનું વાવેતર 2.38 લાખ હેક્ટર અને તલનું વાવેતર 14,581 હેક્ટરમાં થયું છે. અન્ય પાકોમાં, ઘાસચારાનું 7.21 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે, જે સામાન્ય વાવેતર વિસ્તારના 71% થાય છે. જ્યારે ગુવાર સીડનું 34,762 હેક્ટરમાં એટલે કે 40% વાવેતર પૂરું થયું છે.