મેઘરાજાના ખમૈયા, સપ્તાહ સુધી વરસાદ નહીં, 5 ડેમ છલકાયા, 109 ડેમમાં 25% કરતાં ઓછો જળસંગ્રહ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat Monsoon Update: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધમાકેદાર બેટિંગ કર્યા બાદ આખરે મેઘરાજાએ વિરામ લીધો છે. શનિવારથી શરૂ થયેલા ભારે વરસાદને કારણે નદીઓ બે કાંઠે વહી હતી અને જળાશયોમાં પાણીની ભરપૂર આવક થઈ છે, જેનાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. જો કે, ભારે વરસાદ છતાં રાજ્યના હજુ ઘણાં વિસ્તારો કોરા હોવાથી અડધાથી વધુ ડેમો ખાલી જોવા મળી રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યાનુસાર આગામી એક સપ્તાહ સુધી રાજ્યમાં કોઈ જિલ્લામાં ભારે વરસાદનું ઍલર્ટ નથી, પરંતુ હળવોથી મધ્યમ વરસાદ ચાલુ રહી શકે છે.
ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત
છેલ્લા અઠવાડિયામાં ખાબકેલા ભારે વરસાદને કારણે રાજ્યભરમાં વ્યાપક અસર જોવા મળી છે. ભારે વરસાદના કારણે 5 સ્ટેટ હાઈવે સહિત કુલ 425 રસ્તાઓ હજી પણ બંધ છે. છેલ્લા અઠવાડિયામાં 500થી વધુ રસ્તાઓ ધોવાઈ ગયા હતા. એસટી (ST) બસ સેવાના 73 રૂટની 266 ટ્રિપ ખોરવાઈ ગઈ છે, જ્યારે ટ્રેન સેવાઓને પણ અસર થઈ છે. ગામો અને શહેરો બેટમાં ફેરવાઈ જતાં તંત્ર દ્વારા 7,522 લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે, જ્યારે 3,711 લોકોનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.
રાજ્યના કુલ 206 ડેમોમાં પાણીની સ્થિતિ
રાજ્યના કુલ 206 ડેમો પૈકી 5 ડેમ સંપૂર્ણપણે ઓવરફ્લો થયા છે. પાણીની વિપુલ આવકને પગલે સુરક્ષાના ભાગરૂપે 11 ડેમોને 'હાઈ ઍલર્ટ' પર, 4 ડેમોને 'એલર્ટ' પર અને અન્ય 7 ડેમોને 'વોર્નિંગ' કેટેગરીમાં રાખી નીચાણવાળા વિસ્તારોને સાવધ કરાયા છે.
17 ડેમોમાં 70% થી 100% પાણીનો જથ્થો છે, 21 ડેમોમાં 50% થી 70% અને 54 ડેમોમાં 25% થી 50% પાણી ઉપલબ્ધ છે. રાજ્યના 109 ડેમો એવા છે જેમાં હજુ પણ 25% કરતા ઓછો જળસંગ્રહ છે.
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં હાલમાં 2,17,088 MCFT પાણીના સંગ્રહ સાથે ડેમ 64% જેટલો ભરાઈ ચૂક્યો છે. જ્યારે અન્ય 206 જળાશયોમાં હાલ 2,23,233 MCFT પાણી ઉપલબ્ધ છે, જે તેમની કુલ સંગ્રહ ક્ષમતાના માત્ર 40.01% જેટલો જ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 24% વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગની આગાહી
ગત સાંજ સુધીમાં વલસાડ, ડાંગ અને નવસારીમાં પોણાથી 1.5 ઈંચ, જ્યારે સુરત, ભરૂચ, નર્મદા અને તાપીમાં અડધો ઈંચ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે આજે (નવમી જુલાઈ) ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરી છે, પરંતુ તે પછીના એક સપ્તાહ સુધી કોઈ એલર્ટ નથી. વીજપોલ અને ફીડરોના સમારકામ બાદ હવે ધીમે-ધીમે જનજીવન પાટે ચડશે અને વરસાદનો બીજો રાઉન્ડ થોડા દિવસો બાદ શરૂ થશે.









