Retired Justice Biren Vaishnav takes oath as Gujarat Lokayukta: ગુજરાત રાજ્યના વહીવટી તંત્રમાં પારદર્શિતા અને જવાબદારીને વધુ મજબૂત બનાવવા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. નિવૃત્ત જજ બિરેન વૈષ્ણવની રાજ્યના નવા લોકાયુક્ત તરીકે નિમણૂક કરાઈ છે. ગાંધીનગર રાજભવનમાં યોજાયેલા એક સમારંભમાં તેમણે શપથ ગ્રહણ કરીને વિધિવત હોદ્દો સંભાળ્યો હતો.
રાજ્યપાલે શપથ ગ્રહણ કરાવ્યા
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે બિરેન વૈષ્ણવને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. રાજ્ય મંત્રીમંડળના સભ્યો, વરિષ્ઠ સચિવો અને ન્યાયિક ક્ષેત્રના મહાનુભાવોએ હાજરી આપી નવનિયુક્ત લોકાયુક્તને શુભકામના પાઠવી હતી.

કેમ મહત્ત્વની છે આ નિમણૂક?
લોકાયુક્ત સંસ્થા ભ્રષ્ટાચાર મુક્ત શાસન અને વહીવટી પારદર્શિતા માટે લોકશાહીનો એક મજબૂત સ્તંભ છે. જસ્ટિસ બિરેન વૈષ્ણવનો ન્યાયતંત્રનો બહોળો અનુભવ જટિલ વહીવટી ફરિયાદોના નિકાલમાં અને જવાબદારી નક્કી કરવામાં અત્યંત મદદરૂપ થશે. સામાન્ય નાગરિકોની ફરિયાદોનો ન્યાયિક અને ઝડપી નિકાલ આવે તે માટે આ સંસ્થાની ભૂમિકા નિર્ણાયક બની રહેશે.


