Get The App

જૂનાગઢની દીકરી ઓસ્ટ્રેલિયન ઓપન અંડર-14 જીતનાર પ્રથમ ભારતીય બની

Updated: Jan 30th, 2026

GS TEAM

Google News
Google News
જૂનાગઢની દીકરી ઓસ્ટ્રેલિયન ઓપન અંડર-14 જીતનાર પ્રથમ ભારતીય બની 1 - image

મેલબોર્ન ખાતે યોજાયેલી ટૂર્નામેન્ટમાં સફળતા : બાળપણથી ટેનિસમાં મહારત હાંસલ કરનાર 14 વર્ષીય દીકરીએ ભારતને ગૌરવ અપાવ્યું

 જૂનાગઢ, : ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન ખાતે યોજાયેલી ઓસ્ટ્રેલિયન ઓપન એશિયા પેસિફીક અંડર-14 ચેમ્પિયનશીપમાં જૂનાગઢની જેન્સી કાનાબારે ઉત્કૃષ્ટ દેખાવ કરી આ ખિતાબ જીતી પ્રથમ ભારતીય બની હતી. બાળપણથી જ ટેનીસમાં મહારત હાંસલ કરનાર જેન્સીએ આ ચેમ્પિયનશીપમાં જીત મેળવી જૂનાગઢ ઉપરાંત દેશને ગૌરવ અપાવ્યું છે.

મૂળ ડોળાસાના અને હાલ જૂનાગઢ રહેતા શિક્ષક દીપકભાઈ કાનાબારે પુત્રી જેન્સી બાળપણથી ટેનીસ રમતમાં ઉજ્જવળ કારકિર્દી બનાવે એ માટેનું વાતાવરણ આપ્યું હતું. નાનપણથી જ કોચ તેમજ મેદાનની વ્યવસ્થા કરી આપી હતી. જેન્સી પણ પિતાની અપેક્ષા પર ખરી ઉતરવા માટે અથાગ મહેનત કરી રહી છે. લંડન ખાતે વિમ્બલડન, કંબોડીયા, મલેશિયા સહિતના દેશમાં યોજાયેલી ટેનીસ ટૂર્નામેન્ટમાં જેન્સીએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું.

હાલ તે ઓસ્ટ્રેલિયાના ઓસ્ટ્રેલિયન ઓપન એશીયા પેસિફીક અંડર-14ચેમ્પિયનશીપમાં ભાગ લેવા ગઈ છે. આ ચેમ્પિયનશીપમાં શરૂઆતમાં થોડી વાર માટે પાછળ રહ્યા બાદ જેન્સીએ આત્મવિશ્વાસ જાળવી રાખ્યો હતો અને રમતમાં સ્થાન જાળવી રાખી ફાયનલમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને 3-6, 6-4 અને 6-1 થી ઓસ્ટ્રેલિયન ખેલાડીને હરાવી જેન્સી આ કેટેગરીની પ્રથમ ભારતીય દીકરી બની હતી. આ ચેમ્પિયનશીપમાં જીત મેળવનાર જેન્સીએ 2026ની શરૂઆતમાં એ.આઈ.ટી.એ અંડર 14 અને 16માં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે.