Gujarat

બગદાણા કેસમાં જયરાજ આહીર સહિત 6 લોકોના જામીન મંજૂર, મોડી સાંજે જેલ મુક્ત થાય તેવી શક્યતા

By GS TEAM
7 Feb 20262 mins read
TukuTouch Logo
નવનીત બાલધિયા પર થયેલા હુમલાના કેસમાં જયરાજ આહીર, નાજુ કામળીયા, કાના ભીખાભાઇ કામળિયા, સંજય બેચરભાઈ ચાવડા, દિનેશ ઉર્ફે દાદુ લોમાભાઈ સોલંકી અને અજય ઉર્ફે મોટો મનજીભાઈ ભાલીયા જેલમાં હતા

Summarized by AI; it may make mistakes. Check important info

બગદાણા કેસમાં  જયરાજ આહીર સહિત 6 લોકોના જામીન મંજૂર, મોડી સાંજે જેલ મુક્ત થાય તેવી શક્યતા

Jayraj Ahir and Navneet Baldhiya Case : ભાવનગર જિલ્લાના બગદાણામાં બનેલી ચકચારી ઘટનામાં જેલમાં બંધ જયરાજ આહીર સહિત છ આરોપીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. આજે, 7 ફેબ્રુઆરી, 2026 ના રોજ મહુવા કોર્ટે આ તમામ આરોપીઓની શરતી જામીન અરજી મંજૂર કરી છે. લાંબી કાયદાકીય પ્રક્રિયા બાદ મળેલી આ સફળતા અંગે જયરાજ આહીરના વકીલ ગુણવંત આહીરે પુષ્ટિ કરી છે કે તમામ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સાંજ સુધીમાં જયરાજ જેલમુક્ત થઈ શકે છે.

જામીન પર કોર્ટની સુનાવણી

નવનીત બાલધિયા પર થયેલા હુમલાના કેસમાં જયરાજ આહીર, નાજુ કામળીયા, કાના ભીખાભાઇ કામળિયા, સંજય બેચરભાઈ ચાવડા, દિનેશ ઉર્ફે દાદુ લોમાભાઈ સોલંકી અને અજય ઉર્ફે મોટો મનજીભાઈ ભાલીયા જેલમાં હતા. ગઈકાલે મહુવા કોર્ટમાં આ આરોપીઓની જામીન અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. બંને પક્ષના વકીલો વચ્ચે કલાકો સુધી તીખી દલીલો ચાલી હતી. બચાવ પક્ષની દલીલોને ગ્રાહ્ય રાખીને કોર્ટે આજે શરતી જામીન પર મંજૂર કર્યા છે. 

શું હતો સમગ્ર કેસ?

આ વિવાદની શરૂઆત બગદાણામાં સામાજિક કાર્યકર અને કોળી અગ્રણી નવનીત બાલધિયા પર થયેલા હુમલાથી થઈ હતી. નવનીત બાલધિયાએ બગદાણા મંદિર અને ટ્રસ્ટને લગતા કેટલાક મુદ્દાઓ ઉઠાવ્યા હતા, જે બાદ તેમના પર જીવલેણ હુમલો થયો હતો. આ હુમલામાં જયરાજ આહીર અને તેના સાથીદારોના નામ ખુલતા પોલીસે તેમની ધરપકડ કરી હતી. આ ઘટનાને પગલે સમગ્ર ભાવનગર જિલ્લામાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ હતી અને સોશિયલ મીડિયા પર પણ આ મામલે જબરદસ્ત પ્રતિક્રિયાઓ જોવા મળી હતી.

કોણ છે જયરાજ આહીર?

જયરાજ આહીર ભાવનગર પંથકમાં યુવા ભાજપ નેતા અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર તરીકે જાણીતો છે. ઉપરાંત તે લોકસાહિત્યકાર માયા આહીરનો પુત્ર પણ છે. સોશિયલ મીડિયા પર તે મોટી ફેનફોલોઇંગ ધરાવે છે. ઉપરાંત ભાવનગર ભાજપમાં પણ હાલ તે સક્રિય છે. 

કોણ છે નવનીત બાલધિયા?

નવનીત બાલધિયા: નવનીત બાલધિયા એક સામાજિક કાર્યકર હોવા ઉપરાંત કોળી આગેવાન છે. બગદાણાના ટ્રસ્ટ મામલે માયા આહીર દ્વારા મુંબઇમાં એક ડાયરામાં ચુક થયા બાદ તેણે માયા આહીરને ફોન કરીને માફી મંગાવ્યા બાદ આ ઓડિયો વાયરલ થયો હતો. ત્યાર બાદ માયા આહીરના પુત્ર દ્વારા કથિત રીતે નવનીત બાલધીયા પર હુમલો કરવામાં આવ્યો. ત્યાર બાદ આ સમગ્ર મામલો વિવાદિત બન્યો હતો. 

કોર્ટે હાલમાં જામીન મંજૂર કર્યા છે, પરંતુ આ કેસની ટ્રાયલ હજુ ચાલુ રહેશે. પોલીસ દ્વારા પણ આ મામલે પુરાવાઓ એકત્ર કરવાની પ્રક્રિયા ચાલુ છે.