File Photo (AI Image) |
Jamnagar Crime: જામનગરના ખોડીયાર કોલોની વિસ્તારમાં ફરજ બજાવી રહેલા ટ્રાફિક બ્રિગેડ (TRB)ના એક જવાનને કાર ચાલકે ફરજમાં રૂકાવટ કરી કાર સાથે 10 મીટર સુધી ઢસડ્યો હોવાનો ગંભીર બનાવ સામે આવ્યો છે. આ ઘટનામાં TRB જવાનને ગંભીર ઈજા પહોંચતા તેને હોસ્પિટલમાં સારવાર લેવી પડી હતી, જ્યાં હોઠ પર પાંચ ટાંકા પણ લેવા પડ્યા છે.
આ પણ વાંચોઃ અમદાવાદ પોલીસે 7 ગૌ-તસ્કરોની કરી ધરપકડ, ગૌવંશનો બચાવ્યો જીવ, 4 લાખનો મુદ્દામાલ જપ્ત
શું હતી ઘટના?
મળતી માહિતી મુજબ, 22 વર્ષીય જીલ બગડા ટ્રાફિક શાખામાં ફરજ બજાવે છે. શુક્રવારે (5 ડિસેમ્બર) બપોરના દોઢેક વાગ્યે તેઓ ખોડીયાર કોલોની વિસ્તારમાં ટ્રાફિકની ફરજ બજાવતા હતા. આ દરમિયાન GJ-3 NB 9080 નંબરની કાર ચાલકે ટ્રાફિકને અડચણરૂપ બને તે રીતે રસ્તામાં કાર પાર્ક કરી હતી. ત્યારે જીલ બગડાએ કાર ચાલકને કાર સાઇડમાં લેવાનું કહ્યું અને ટ્રાફિક અધિકારી બોલાવે છે તેવું જણાવ્યું.
આ પણ વાંચોઃ ઈન્ડિગો સંકટ: અમદાવાદ એરપોર્ટ પર મુસાફરો માટે રેલવેએ શરૂ કર્યું વિશેષ કાઉન્ટર
TRB જવાનની વાત સાંભળીને પહેલાં તો કાર ચાલક માવો ખાવા માટે નીચે ઉતર્યો હતો. પરંતુ, બાદમાં તે અચાનક કાર ચાલુ કરીને ત્યાંથી ભાગવાનો પ્રયાસ કરવા લાગ્યા. જેથી ટીઆરબી જવાન જીલ બગડાએ તેને રોકવાનો પ્રયત્ન કર્યો તો કાર ચાલકે તેને અડફેટે લઈ લીધો અને 10 મીટર સુધી ઢસડ્યો. આ ઘટનામાં ટીઆરબી જવાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો અને તેને માથા, હાથ-પગ અને હોઠના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. સમગ્ર ઘટના બાદ ટીઆરબી જવાનને તાત્કાલિક ધોરણે એમ્બ્યુલન્સ મારફતે જામનગરની જી.જી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેના હોઠ પર પાંચ ટાંકા લેવાની ફરજ પડી હતી.
કાર કબ્જે કરી ગુનો દાખલ
ઈજાગ્રસ્ત ટીઆરબી જવાન જીલ બગડાએ આ બનાવ અંગે સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં GJ-3 NB 9080 નંબરની કારના ચાલક નિર્મળસિંહ જાડેજા સામે ફરિયાદ નોંધાવી છે. આ પ્રકરણમાં કાર ચાલક સામે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 121 (1), 221, 285 તેમજ એમવી એક્ટની કલમ 177, 184, 134 મુજબ ગુનો નોંધી કાર કબ્જે કરી છે અને કાર ચાલકને નોટિસ આપી દીધી છે.


