ઈન્ડિગો સંકટ: અમદાવાદ એરપોર્ટ પર મુસાફરો માટે રેલવેએ શરૂ કર્યું વિશેષ કાઉન્ટર

| (IMAGE - IANS) |
IRCTC have set up a helpdesk counter at Ahmedabad Airport: ઈન્ડિગોની સેંકડો ફ્લાઇટ્સ રદ થવાને કારણે હવાઈ મુસાફરોને થઈ રહેલી ભારે પરેશાની વચ્ચે ભારતીય રેલવેએ એક મોટી પહેલ કરી છે. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ફસાયેલા મુસાફરોની મદદ માટે રેલવેએ એક વિશેષ હેલ્પડેસ્ક કાઉન્ટર શરૂ કર્યું છે. આ હેલ્પડેસ્ક પર ફ્લાઇટ રદ થવાને કારણે અટવાયેલા મુસાફરોને વિશેષ અને નિયમિત ટ્રેનોની ઉપલબ્ધતા અને સીટોની માહિતી આપવામાં આવી રહી છે.
વેસ્ટર્ન રેલવેના કર્મચારી સંજય રાવલે જણાવ્યું કે, 'ફ્લાઇટ કેન્સલ થવાની સ્થિતિને ધ્યાનમાં રાખીને IRCTC અને અમદાવાદ રેલવે ડિવિઝને મળીને આ અભિયાન ચલાવ્યું છે, જેમાં મુસાફરોને ઉપલબ્ધ ટ્રેનો અને સીટોની માહિતી આપવામાં આવી રહી છે.
દેશભરના એરપોર્ટ પર હાલાકી
ઈન્ડિગોની સેંકડો ફ્લાઇટ્સ રદ થવાને કારણે દેશભરના એરપોર્ટ પર મુસાફરોની લાંબી લાઇનો લાગી છે. દિલ્હી સ્થિત ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મોટી સંખ્યામાં મુસાફરો ભારે વિલંબ અને ફ્લાઇટ્સ કેન્સલ થવાને કારણે મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા.
મુસાફરોએ પોતાની આપવીતી જણાવી
મુંબઈમાં પણ મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. એક યુવતીએ જણાવ્યું કે તેના માતા-પિતા(જે સિનિયર સિટીઝન છે) કાનપુર માટે ફ્લાઇટમાં જવાના હતા, પરંતુ સવારે તેમને મેસેજ મળ્યો કે ફ્લાઇટ કેન્સલ થઈ ગઈ છે.
આ પણ વાંચો: શ્રીલંકામાં દેવદૂત બની ભારતીય સેના: ફિલ્ડ હોસ્પિટલ બનાવી 1250 ઈજાગ્રસ્તોની સારવાર કરી
એક અન્ય મુસાફરે પોતાની આપવીતી જણાવતા કહ્યું કે, 'શનિવારે ચેન્નઈથી સવારે 8:40 વાગ્યે તેની ફ્લાઇટ હતી, પરંતુ સાંજે 6:30 વાગ્યા પછી કેન્સલેશનનો મેસેજ મળ્યો. તેને પુણે જવાનું હતું, પરંતુ કોઈ ફ્લાઇટ ઉપલબ્ધ ન હોવાથી તેને મુંબઈ આવવું પડ્યું અને હવે તે ત્યાંથી પુણે જશે.
એક યુવતીએ એ પણ ફરિયાદ કરી કે પોર્ટ બ્લેયરથી હૈદરાબાદ આવ્યા બાદ તેમનો એક કલાકનો લેઓવર વધીને 6 કલાક થયો, અને 12-13 કલાકની મુસાફરી દરમિયાન કોઈ ભોજન આપવામાં આવ્યું નહોતું.
હવાઈ મુસાફરીમાં સર્જાયેલા આ સંકટને જોતાં, અમદાવાદ એરપોર્ટ પર રેલવે દ્વારા શરૂ કરાયેલું આ હેલ્પડેસ્ક મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાન સુધી પહોંચવા માટે એક મોટો વિકલ્પ પૂરો પાડી રહ્યું છે.

