જામનગર નજીક મોખાણા ગામની સીમમાં દીપડો દેખાતાં ગ્રામજનોમાં ભયનો માહોલ : ફોરેસ્ટ વિભાગે હાથ ધરી શોધખોળ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar : જામનગર તાલુકાના નવા મોખાણા ગામની સીમ વિસ્તારમાં ગઈકાલે મોડી રાત્રે દીપડો દેખાતા સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. રાત્રિના આશરે 12.45 વાગ્યે વાડી વિસ્તારમાં એક સ્થળે દીપડો બેસેલો નજરે પડતા સ્થાનિકોએ તાત્કાલિક સાવચેતીના પગલાં લીધા હતા.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, દીપડો થોડો સમય સુધી વાડી વિસ્તારમાં જોવા મળ્યો હતો. ઘટનાસ્થળે હાજર એક સ્થાનિક વ્યક્તિએ પોતાના મોબાઇલ ફોનમાં દીપડાનો વીડિયો પણ કેદ કર્યો હતો, જે બાદ સમગ્ર વિસ્તારમાં ચિંતાનું વાતાવરણ સર્જાયું હતું.
ઘટનાની જાણ સ્થાનિક આગેવાનો તથા ગ્રામજનોએ વન વિભાગને કરતાં ફોરેસ્ટ વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી અને દીપડાની હાજરી અંગે તપાસ શરૂ કરી હતી. વન વિભાગ દ્વારા આસપાસના વિસ્તારમાં સઘન શોધખોળ હાથ ધરવામાં આવી છે તેમજ દીપડાની હિલચાલ અંગે માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી પંચકોશી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી. પોલીસ અને વન વિભાગ દ્વારા સંયુક્ત રીતે સ્થાનિક નાગરિકોને સતર્ક રહેવા, રાત્રિના સમયે એકલા બહાર ન નીકળવા તેમજ પોતાના પશુધન અને ઢોરઢાંખરને સુરક્ષિત સ્થળે રાખવા સૂચના આપવામાં આવી છે.
વન વિભાગના અધિકારીઓએ ગ્રામજનોને અફવાઓથી દૂર રહેવા અને દીપડો દેખાય તો તાત્કાલિક વિભાગને જાણ કરવા અપીલ કરી છે. હાલ ફોરેસ્ટ વિભાગ દ્વારા દીપડાની શોધખોળ ચાલુ રાખવામાં આવી છે અને સમગ્ર વિસ્તાર પર નજર રાખવામાં આવી રહી છે.








