Get The App

જામનગરમાં ગુંડાગીરી કરનારા તત્વો સામે કડક એક્શન: LPG સપ્લાય અટકાવનારા 3 શખ્સોને અલગ-અલગ જેલમાં ધકેલાયા

Updated: May 22nd, 2026

GS TEAM

Google News
Google News
જામનગરમાં ગુંડાગીરી કરનારા તત્વો સામે કડક એક્શન: LPG સપ્લાય અટકાવનારા 3 શખ્સોને અલગ-અલગ જેલમાં ધકેલાયા 1 - image


Jamangar News: જામનગર-ખંભાળિયા હાઇવે પર સામાન્ય નાગરિકોના ઘર સુધી પહોંચતા રાંધણગેસના આવશ્યક પુરવઠાને રોકીને અરાજકતા ફેલાવવાનો પ્રયાસ કરનારા ત્રણ અસામાજિક તત્વો સામે આવશ્યક ચીજવસ્તુઓ અધિનિયમ (PBM) હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જનતાના હિત અને જાહેર પુરવઠા વ્યવસ્થાની સુરક્ષાને ધ્યાને રાખીને આ ત્રણેય શખ્સોને તુરંત જેલ હવાલે કરવાનો હુકમ કરાયો છે.

ત્રણેય આરોપીઓને અલગ-અલગ જેલમાં મોકલાયા

મોટી ખાવડી પંથકના આ ત્રણેય માથાભારે શખ્સો ફરીથી જાહેર પુરવઠા વ્યવસ્થાને નુકસાન ન પહોંચાડે તે માટે તેમને ગુજરાતની જુદી-જુદી જેલોમાં બંધ કરવામાં આવ્યા છે:

કિશોરસિંહ ગગુભા જાડેજા – સુરત જેલ

મહેન્દ્રસિંહ જેઠુભા જાડેજા – અમદાવાદ જેલ

જુવાનસિંહ મહોબતસિંહ જાડેજા – વડોદરા જેલ

આ પણ વાંચો : જામનગરમાં અપહરણ, હનીટ્રેપ કરી બળજબરીપૂર્વક નાણા પડાવી લેનાર આરોપીઓને પકડી પાડતી જામનગર પોલીસ

શું હતી સમગ્ર ઘટના?

ગત 14 મે, 2026ના રોજ મોટી ખાવડી નજીક આવેલી શિવ હોટેલ પાસે આ ગંભીર ઘટના બની હતી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાંથી સામાન્ય નાગરિકો માટે એલ.પી.જી. ગેસ ભરીને નીકળતા અને ભરવા જતાં સરકારી તેમજ કોમર્શિયલ ટેન્કરોને આ શખ્સોએ અધવચ્ચે રોકી દીધા હતા.

ટેન્કરના ડ્રાઇવરો અને ખલાસીઓને બળજબરીથી નીચે ઉતારી બેફામ ગાળો ભાંડી હતી અને સરાજાહેર મારામારી કરી હતી. ડ્રાઇવરો પાસેથી જરૂરી દસ્તાવેજો અને રોકડા રૂપિયા છીનવી લેવાયા હતા. આ ઉપરાંત ટેન્કરો સળગાવી દેવાની અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપીને હાઇવે પર ભયનો માહોલ ઊભો કરાયો હતો.

હજારો પરિવારોના રસોડા સુધી પહોંચતો ગેસ રોકાયો

આ ગુંડાગીરીના કારણે સમગ્ર ગેસ વિતરણ વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી. સામાન્ય દિવસોમાં જ્યાં રોજ સરેરાશ 139 એલ.પી.જી. ટેન્કરો ભરાઈને નાગરિકો સુધી પહોંચતા હતા, તે આ અવરોધના કારણે ઘટીને માત્ર 98 થઈ ગયા હતા.

કાયદાનો ગાળિયો મજબૂત કરાયો

ઘટના બાદ મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશનમાં આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ ગુનો સામાન્ય જનતાની જીવનજરૂરી ચીજવસ્તુઓ સાથે જોડાયેલો હોવાથી, કાયદાકીય કલમોની સાથે આવશ્યક ચીજવસ્તુઓ અધિનિયમ-1955ની કલમ-૩નો ઉમેરો કરીને કાયદાનો ગાળિયો વધુ મજબૂત કરાયો હતો, જેથી આરોપીઓ સામાન્ય જામીન પર મુક્ત થઈને ફરી અરાજકતા ન ફેલાવી શકે.