Get The App

જામનગરમાં કાલાવડમાં ચર્ચાસ્પદ કિસ્સો : ગાઠીયાના પાર્સલ માટે રાહ જોવાનું કહેતાં ગ્રાહક ઉશ્કેરાયો, જાનથી મારી નાખવાની ધમકી

Updated: Jun 20th, 2026

GS TEAM

Google News
Google News
જામનગરમાં કાલાવડમાં ચર્ચાસ્પદ કિસ્સો : ગાઠીયાના પાર્સલ માટે રાહ જોવાનું કહેતાં ગ્રાહક ઉશ્કેરાયો, જાનથી મારી નાખવાની ધમકી 1 - image

Jamnagar : જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના જશાપર ગામ નજીક આવેલી ગાઠીયાની લારી પર પાર્સલ લેવા આવેલા ગ્રાહકને રાહ જોવાનું કહેતાં ઉશ્કેરાઈ જઈ તોડફોડ મચાવ્યાની ઘટના સામે આવી છે. આરોપીએ પોતાની અલ્ટો કાર ગાઠીયાની લારીમાં ઘુસાડી લારી તથા સામાનને નુકસાન પહોંચાડ્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

ફરિયાદ મુજબ જશાપર ગામના રહેવાસી ખોડાભાઈ મનસુખભાઈ ફળદુ રાજસ્થળી પાટિયા પાસે ખેતીની જમીન નજીક ખોડલ વેલ્ડિંગ તેમજ ચા-નાસ્તાની હોટલ ચલાવે છે. હોટલ પાસે ગાઠીયાની લારી પણ રાખવામાં આવી છે, જ્યાં નીકાવા ગામના હુસૈનભાઈ ગફારભાઈ ડેલા કારીગર તરીકે કામ કરે છે.

ગત 18 જૂનની રાત્રે આશરે 9.40 વાગ્યે શીશાંગ ગામના રહેવાસી રાજકુમાર ઘનશ્યામસિંહ જાડેજા અલ્ટો કારમાં ગાઠીયા પાર્સલ લેવા આવ્યા હતા. તે સમયે કારીગર હુસૈનભાઈએ ગાઠીયા તૈયાર થવામાં થોડી વાર લાગશે અને રાહ જોવાની વિનંતી કરતા રાજકુમાર જાડેજા ઉશ્કેરાઈ ગયા હતા. તેમણે બોલાચાલી કરી અપશબ્દો બોલ્યા હતા.

ફરિયાદ અનુસાર બાદમાં આરોપીએ પોતાની અલ્ટો કાર ગાઠીયાની લારીમાં આગળથી ભટકાડી દીધી હતી. જેના કારણે લારી, ચુલો તેમજ તેલનું બકડિયું સહિતનો સામાન નુકસાન પામ્યો હતો. આ બનાવમાં અંદાજે 25 હજારનું નુકસાન થયાનું જણાવાયું છે. આટલું જ નહીં, આરોપીએ સ્થળ પરથી નીકળતી વખતે કારીગર હુસૈનભાઈને ફરી ક્યારેય રાહ જોવાનું કહેશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી પણ આપી હોવાનું ફરિયાદમાં નોંધાયું છે. બનાવ અંગે કાલાવડ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે આરોપી રાજકુમાર ઘનશ્યામસિંહ જાડેજા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.