જામનગર: ઉદ્યોગપતિએ યુવતીને લોનના બહાને બોલાવી દુષ્કર્મ આચરી બ્લેકમેલ કરી, ફરિયાદ થતા આરોપી ફરાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

| AI IMAGE |
Jamnagar Rape Case: જામનગરના એક જાણીતા ઓઇલ મિલર ઉદ્યોગપતિ સામે લોન કન્સલ્ટન્ટ તરીકે કામ કરતી યુવતી પર વારંવાર દુષ્કર્મ આચરવા બદલ સિક્કા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે. આરોપીએ યુવતીને લોનના બહાને બોલાવી નશાકારક પ્રવાહી પીવડાવી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું અને ત્યારબાદ બ્લેકમેલ કરીને દોઢ વર્ષ સુધી તેનું શારીરિક શોષણ કરતો રહ્યો હતો. આ ગંભીર ગુનાની ફરિયાદ નોંધાતા જ આરોપી ઉદ્યોગપતિ વિશાલ મોદી ફરાર થઈ ગયો છે, અને પોલીસે તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
આ સમગ્ર પ્રકરણની તપાસ લાલપુરના આઇપીએસ અધિકારી પ્રતિભા ચલાવી રહ્યા છે. તેમણે આપેલી પ્રાથમિક વિગતો મુજબ ભોગ બનનાર યુવતી લોન કન્સલ્ટન્ટનું કામ કરે છે. આરોપી ઉદ્યોગપતિ વિશાલ મોદીએ યુવતીને લોનના કામના બહાને શરમત પાટીયા પાસે આવેલા એક વિલા ખાતે બોલાવી હતી.
પોલીસ ફરિયાદ મુજબ, આ ઘટના સૌપ્રથમ ફેબ્રુઆરી 2024માં બની હતી. વિલા ખાતે આરોપીએ યુવતીને નશાકારક પ્રવાહી પીવડાવી દીધું હતું અને ત્યારબાદ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ કૃત્ય બાદ આરોપી યુવતીને બ્લેકમેલ કરતો હતો અને જામનગર શહેરમાં જુદા-જુદા સ્થળોએ બોલાવી તેણીને વારંવાર પોતાની હવસનો શિકાર બનાવતો હતો. આ સિલસિલો છેક સપ્ટેમ્બર 2025 સુધી ચાલ્યો હતો.
આખરે આરોપીના ત્રાસથી કંટાળીને ભોગ બનનાર યુવતીએ હિંમત દાખવી ગત 28મી તારીખે સિક્કા પોલીસ મથકનો સંપર્ક કર્યો હતો. પોલીસે સમગ્ર મામલાની ગંભીરતાને ધ્યાને લઇ તપાસ કર્યા બાદ ગત 31મી તારીખે આરોપી ઉદ્યોગપતિ વિશાલ મોદી વિરુદ્ધ દુષ્કર્મ અને બ્લેકમેલિંગ સહિતની કલમો હેઠળ સત્તાવાર ગુનો નોંધ્યો છે. ગુનો નોંધાયાની ગંધ આવતા જ આરોપી વિશાલ મોદી ફરાર થઇ ગયો છે, જેને પકડવા માટે પોલીસ દ્વારા સઘન શોધખોળ અને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.








