Get The App

જામનગરના જામજોધપુર પંથકમાં દારૂના નશામાં ધૂત બનીને ઘેર આવેલા પિતાને પુત્રએ જ પોલીસને સોંપ્યો, પ્રોહિબિશનનો ગુનો નોંધાયો

Updated: Jun 22nd, 2026

GS TEAM

Google News
Google News
જામનગરના જામજોધપુર પંથકમાં દારૂના નશામાં ધૂત બનીને ઘેર આવેલા પિતાને પુત્રએ જ પોલીસને સોંપ્યો, પ્રોહિબિશનનો ગુનો નોંધાયો 1 - image

Jamnagar Police : જામજોધપુર તાલુકાના વેણુના પુલ ગામે એક અનોખી ઘટના સામે આવી છે, જેમાં દારૂના નશામાં ધૂત થઈ ઘરે આવી હોબાળો મચાવનાર પિતાને તેના જ પુત્રે પોલીસને જાણ કરી પકડાવી દીધો હતો. બાદમાં પોલીસે દારૂબંધી કાયદા હેઠળ ગુનો નોંધી આરોપીની અટકાયત કરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ વેણુના પુલ ગામે રહેતા સંજયભાઈ સુભાષભાઈ પરમારે પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમના પિતા સુભાષભાઈ મનુભાઈ પરમાર દારૂ પીધેલી હાલતમાં ઘરે આવી તેમની સાથે ઝઘડો કરવા લાગ્યા હતા તેમજ બકવાસ કરી કાગારોળ મચાવતા હતા. જેના કારણે સંજયભાઈએ 112 ઇમરજન્સી સેવા પર ફોન કરી પોલીસને જાણ કરી હતી.

જાણ થતાં 112ની પોલીસ ટીમ સ્થળ પર પહોંચી હતી અને પિતા-પુત્ર બંનેને પોલીસ સ્ટેશને લઈ ગઈ હતી. પોલીસ દ્વારા બે પંચોની હાજરીમાં સુભાષભાઈ પરમારની તપાસ કરવામાં આવતા તેમની જીભ થોથરાતી હોવાનું, આંખો નશાથી લાલ દેખાતી હોવાનું તેમજ શરીરનું સમતોલન જાળવી શકતા ન હોવાથી લથડિયા ખાતા હોવાનું નોંધાયું હતું.

પોલીસે જાહેરમાં કેફી પીણું પીધેલી હાલતમાં નીકળવા અંગે પાસ-પરમિટ અથવા કોઈ કાયદેસર આધાર રજૂ કરવા જણાવતાં તેઓ કોઈ પરમિટ રજૂ કરી શક્યા નહોતા. જેથી પોલીસે સુભાષભાઈ મનુભાઈ પરમાર સામે ગુજરાત પ્રોહિબિશન અધિનિયમની કલમ 66(1)(બી) અને 82(1) હેઠળ ગુનો નોંધી તેમની અટકાયત કરી હતી. આ સમગ્ર બનાવમાં પોતાના પિતાના દારૂના નશા અને હોબાળાથી કંટાળીને પુત્રે જ પોલીસને જાણ કરી કાયદેસરની કાર્યવાહી કરાવતાં આ ઘટના વિસ્તારમાં ચર્ચાનો વિષય બની છે.