Gujarat

જંબુસર બાયપાસ ચોકડીએ બિસ્માર માર્ગના મુદ્દે રહીશોનો ચક્કાજામ

By GS Team
31 Jul 20192 mins read
This article was originally published on 31 Jul 2019
જંબુસર બાયપાસ ચોકડીએ બિસ્માર માર્ગના મુદ્દે રહીશોનો ચક્કાજામ

ભરૂચ તા.31 જુલાઇ 2019 બુધવાર

ભરૂચની જંબુસર બાયપાસ ચોકડી પર સ્થાનિકોએ બિસ્માર રસ્તાઓના મુદ્દે રોડ પર ઉતરી આવી આવી ચક્કાજામ કરતા વાહનચાલકો અટવાયા હતા. ચક્કાજામ બાદ રોષે ભરાયેલા લોકોએ ભરૃચ નગરપાલિકા ખાતે હલ્લાબોલ કરી ચીફ ઓફીસરની ચેમ્બર બહાર અડ્ડો જમાવ્યો હતો. ચીફ ઓફીસરની રસ્તાની મરામત બાબતે ખાતરી મળતા મામલો સમેટાયો હતો.

ભરૂચના પશ્ચિમ વિસ્તાર સહિત વિવિધ વિસ્તારોમાં ચોમાસાની જમાવટ સાથે રસ્તાઓ પર મોટા ખાડાઓ પડી જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ભરૃચના પશ્ચિમ વિસ્તારમાં આવેલા જંબુસર બાયપાસ ચોકડી સહિત વાહન વ્યવહારથી ધમધમતા મુખ્ય માર્ગની બિસ્માર હાલતથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. આ અંગે વારંવારની રજુઆત બાદ પણતંત્રે માર્ગ મરામતની કોઇ કાર્યવાહી કરવામાં ન આવતા અંતે જંબુસર બાયપાસ ચોકડી પર સ્થાનિકો ઉતરી આવ્યા હતા. અને સુત્રોચ્ચાર સાથે ચક્કાજામ કરતા રોડ પર વાહનોની લાંબી લાઇનો પડી જવા પામી હતી.

આ દરમ્યાન પોલીસે કાફલાએ આવી સમજાવટ ભરી રીતે મામલો થાલે પાડી વાહન વ્યવહાર પૂર્વવત કર્યો હતો. પરંતુ રસ્તાના મુદ્દે ગુસ્સે ભરાયેલા લોકો આ બાદ ભરૂચ નગરપાલિકા કચેરી ખાતે હલ્લાબોલ કરી ચીફ ઓફીસરની ચેમ્બર બહાર જ અડ્ડો જમાવી દઇ નગરપાલિકાની સામાન્ય સભા નહીં મળવા દેવાની ચીમકી આપતાં તંત્રમાં દોડધામ થઇ જવા પામી હતી. ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફીસરે રસ્તાની મરામત અંગે ખાતરી આપવાની સાથે તેની કામગીરી પણ ચાલુ કરી દેતા રહીશોએ નગરપાલિકા સંકુલ ખાતેથી વિદાય લીધી હતી.

આમ પ્રજાકીય પ્રશ્નો પ્રત્યે બેપરવાહ રહેતા તંત્રને આંદોલનનો સહારો લઇ પ્રજાએ તેઓની માંગણી પૂરી કરવા મજબૂર કરવામાં સફળતા મેળવી હતી.