Get The App

હવે ચૂંટણી નહીં લડે જગદીશ ઠાકોર, CWCનો હોદ્દો પણ છોડવાની ઇચ્છા વ્યક્ત કરી

Updated: Oct 7th, 2025

GS TEAM

Google News
Google News
હવે ચૂંટણી નહીં લડે જગદીશ ઠાકોર, CWCનો હોદ્દો પણ છોડવાની ઇચ્છા વ્યક્ત કરી 1 - image

Jagdish Thakor News: ગુજરાત કોંગ્રેસના રાજકારણમાં એક મોટા સમાચાર સામે આવ્યા છે. પક્ષના અગ્રણી નેતા અને પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે ભવિષ્યમાં કોઈપણ પ્રકારની ચૂંટણી ન લડવાનો અને ચૂંટણીલક્ષી રાજનીતિથી દૂર રહેવાનો નિર્ણય લીધો છે. તેમણે સ્પષ્ટ સંકેતો આપ્યા છે કે હવે તેઓ સક્રિય ચૂંટણી રાજકારણથી અળગા રહેશે.

જગદીશ ઠાકોરે પોતાની જવાબદારીઓમાંથી મુક્ત થવાની ઇચ્છા પણ વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું છે કે તેઓ કોંગ્રેસ વર્કિંગ કમિટી(CWC)ની જવાબદારીમાંથી પણ મુક્ત થવા માંગે છે. તેમના આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ નવી પેઢી અને યુવાનોને રાજનીતિમાં આગળ આવવાની તક આપવાનું છે, જે અંગે તેમણે ઇચ્છા વ્યક્ત કરી છે.

શું કહ્યું જગદીશ ઠાકોરે? 

જન આક્રોશ જનસભામાં જગદીશ ઠાકોરે અમિત ચાવડા સહિતના નેતાઓની હાજરીમાં ખુદને જવાબદારીથી મુક્ત કરવાની અપીલ કરી હતી. તેમણે ભાષણ આપતાં કહ્યું હતું, કે મેં નક્કી કર્યું છે કે હવે હું કોઈ ચૂંટણી નહીં લડું. મારી જગ્યાએ CWCમાં પણ કોઈ સારા લોકોને મૂકો. મારા પિતાએ ક્યારેય કલ્પના નહોતી કરી કે હું પંચાયતનો સભ્ય બનીશ. આ પ્રજા અને રાહુલ ગાંધીના પરિવારે મને ધારાસભ્ય, સાંસદ અને CWCનો સભ્ય બનાવ્યો. હું જીવું ત્યાં સુધી ઋણ ઉતારવામાં ક્યાંય પાછી પાની નહીં કરું.' 

હું બીજાને જીતાડી શકું તેવો દાખલ બેસાડીશ

જગદીશ ઠાકોરે વધુમાં કહ્યું છે, કે હું ત્રણ વખત લોકસભા લડ્યો, બે વખત ધારાસભા લડ્યો, આટલા બધા હોદ્દા મળ્યા પછી ક્યાંક તો મારે ખમૈયા કરવાના કે નહીં? હું જીતી તો શકું પણ કોઈને જીતાડી પણ શકું તે દાખલો મારે બેસાડવાનો છે. 

આ પણ વાંચો: MP-રાજસ્થાનમાં કફ સિરપથી બાળકોના મોત બાદ ગુજરાત સરકાર પણ જાગી, 500થી વધુ સ્થળે તપાસ

દિલ્હીમાં હાઇકમાન્ડ સાથે મહત્ત્વપૂર્ણ બેઠક

ઉલ્લેખનીય છે કે, જગદીશ ઠાકોરનો આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે ગુજરાત કોંગ્રેસના અનેક નેતાઓ આજે દિલ્હી ખાતે પાર્ટીના હાઇકમાન્ડ સાથે એક મહત્ત્વપૂર્ણ બેઠક માટે પહોંચ્યા છે. આ બેઠકમાં આગામી સમયની રાજકીય યોજનાઓ અંગે વિસ્તૃત ચર્ચા થવાની સંભાવના છે.

આ ઉપરાંત, કેટલાક વરિષ્ઠ આગેવાનોએ જે આંતરિક ફરિયાદો રજૂ કરી છે, તે મુદ્દાઓ પર પણ હાઇકમાન્ડ સમક્ષ ગહન ચર્ચા થવાની શક્યતા છે. જગદીશ ઠાકોરના આ નિવેદનથી ગુજરાત કોંગ્રેસના રાજકારણમાં નવો વળાંક આવી શકે છે અને સંગઠનમાં મોટા ફેરફારો થવાના સંકેતો મળી રહ્યા છે.

રાજનીતિના જાણકારોનું માનવું છે કે જગદીશ ઠાકોરનો આ નિર્ણય ગુજરાત કોંગ્રેસ માટે આગામી સમયમાં રણનીતિ અને નેતૃત્વની દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.