Get The App

MP-રાજસ્થાનમાં કફ સિરપથી બાળકોના મોત બાદ ગુજરાત સરકાર પણ જાગી, 500થી વધુ સ્થળે તપાસ

Updated: Oct 7th, 2025

GS TEAM

Google News
Google News
MP-રાજસ્થાનમાં કફ સિરપથી બાળકોના મોત બાદ ગુજરાત સરકાર પણ જાગી, 500થી વધુ સ્થળે તપાસ 1 - image


Gujarat Cough Syrup Case: રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં કફ સિરપથી કેટલાક બાળકોના મૃત્યુ થયા બાદ ગુજરાત સરકાર હરકતમાં આવી છે. સરકારના આદેશને પગલે રાજ્યમાં કફ સિરપનું ઉત્પાદન કરતા 500થી વધુ દવા ઉત્પાદકોને ત્યાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે. આ ઉપરાંત કફ સિરપના ઉપયોગને લઈને કેન્દ્રની માર્ગદર્શિકાનું ફોલોઅપ કરવા સૂચના આપવામાં આવી છે. સાથે-સાથે ડૉક્ટરોને આ મામલે તાકીદ કરવામાં આવી છે.

કેન્દ્રની માર્ગદર્શિકા

કેન્દ્રીય આરોગ્ય વિભાગે કફ સિરપના ઉપયોગને લઈને ગુજરાત સહિત તમામ રાજ્યના આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ યોજી માર્ગદર્શિકાનું પાલન કરવા જાણકારી આપવામાં આવી છે. આરોગ્ય વિભાગના સૂત્રોના મતે, ગુજરાતમાં રાજસ્થાન કે ઉપરાંત હાલ ગુજરાતમાં 500થી વધુ ફાર્મા કંપનીઓ કફ સિરપનું ઉત્પાદન કરે છે. આ બધીય ફાર્માસ્યુટિકલ કંપનીઓને ત્યાં તપાસ શરૂ કરાઈ છે.

આ પણ વાંચોઃ દેવભૂમિ દ્વારકામાં સામૂહિક આપઘાતઃ બે બાળકોને ઝેર આપી પિતાએ જીવન ટૂંકાવ્યું

મેડિકલ સ્ટોર્સની તપાસ હાથ ધરાઈ

આરોગ્ય વિભાગની દેખરેખ હેઠળ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમો કામે લાગી છે. કફ સિરપમાં કથિત કન્ટેન્ટ છે કે કેમ તે મુદ્દે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. રાજસ્થાન અને મધ્યપ્રદેશ જેવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે રાજ્ય આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. આ કારણોસર જ ફાર્મા કંપનીઓને ત્યાં તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. આ ઉપરાંત કફ સિરપ વેચતાં મેડિકલ સ્ટોર્સ પર તપાસ કરવામાં આવી રહી છે. જો કથિત કન્ટેન્ટ સાથેનું કફ સિરપ વેચતાં પકડાશે તે મેડિકલ સ્ટોર્સનું લાઇસન્સ રદ કરવા સુધીની કાર્યવાહી કરવા નક્કી કરાયુ છે. આ ઉપરાંત સરકારી હોસ્પિટલો સહિત ખાનગી હોસ્પિટલોમાં ડોક્ટરોને પણ કફ સિર૫ મામલે તાકીદ કરાઇ છે.

અમદાવાદ સહિત રાજ્યમાં પ્રિસ્ક્રિપ્શન  વિના કફ સિરપનું ધૂમ વેચાણ

મેડિકલ સ્ટોર્સ પર કફ સિરપના વેચાણને લઈને કોઈ પ્રતિબંધ નથી. આ કારણોસર અમદાવાદ સહિત ગુજરાતભરમાં ડૉક્ટરના પ્રિસ્ક્રીપ્શન વિના જ કફ સિરપનું ધૂમ વેચાણ થઈ રહ્યુ છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અપૂરતા સ્ટાફને કારણે મેડિકલ સ્ટોર્સના સંચાલકોને ફાવતુ મળ્યું છે. ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન દવા આપી શકાય નહીં તે નિયમો ધરાર ઉલાળિયો થયો છે. આજે પણ શહેરો કરતાં ગ્રામ્ય વિસ્તારોમાં તો મેડિકલ સ્ટોર્સ પર ઘણી પ્રતિબંધિત દવાઓ પ્રિસ્ક્રીપ્શન વિના જ મળી જાય છે. કેટલીય મેડિકલ સ્ટોર્સ પર ફાર્માસિસ્ટ જ હોતા નથી.

આ પણ વાંચોઃ ગિરનારના શિખર પર મૂર્તિ તોડવા મામલે કાર્યવાહી માટે ગાંધીનગરથી નિર્દેશ, યુપીના CM યોગી પણ એક્ટિવ

નશા ખાતર કફ સિરપનો બેફામ ઉપયોગ, યુવાઓ બંધાણી બન્યા

દારૂને બદલે કફ સિરપ સરળતાથી ઉપલબ્ધ થતી હોવાથી બંધાણીઓ કફ સિરપનો ધૂમ ઉપયોગ કરી રહ્યાં છે જેના કારણે કફ સિરપની ડિમાન્ડ રોકેટ ગતિએ વધી રહી છે. અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં છૂટક મજૂરી કરતા અને કારખાનામાં કામ કરતાં કામદારોને નશો કરવાની આદત પડી ગઈ હોય તે કફ સિરપના નશાના બંધાણી બન્યાં છે. સિરપમાં કોડિન ફોસ્ફેટનું પ્રમાણ વધુ હોય છે જે દારૂ જેવા નશાનો અહેસાસ કરાવે છે જેથી ટિનેજરો અને યુવાનોમાં કફ સિરપનું વ્યસન સૌથી વધુ પ્રમાણમાં છે.


Tags :