Get The App

મોરબીમાં 100થી વધુ સિરામિક એકમ બંધ, 5000 જેટલાં શ્રમિક બેરોજગાર, યુદ્ધની માઠી અસર

Updated: Mar 7th, 2026

GS TEAM

Google News
Google News
મોરબીમાં 100થી વધુ સિરામિક એકમ બંધ, 5000 જેટલાં શ્રમિક બેરોજગાર, યુદ્ધની માઠી અસર 1 - image


 AI Image


Morbi News : મિડલ ઈસ્ટમાં ઈરાન, ઈઝરાયલ અને અમેરિકા વચ્ચે વકરેલી યુદ્ધની સ્થિતિએ વિશ્વના બીજા નંબરના સૌથી મોટા સિરામિક હબ ગણાતા મોરબીની કમર તોડી નાખી છે. દરિયાઈ માર્ગો બંધ થતા અને ગેસ કટોકટી સર્જાતા મોરબીના સિરામિક અને પેપરમિલ ઉદ્યોગ પર સંકટના વાદળો ઘેરાયા છે. સિરામિક ઉદ્યોગમાં ગેસ અને એક્સપોર્ટની કટોકટી મિડલ ઈસ્ટમાં તણાવને કારણે 'સ્ટ્રેટ ઓફ હોર્મુસ' માર્ગ પર અવરજવર પ્રતિબંધિત થતા મોરબીમાં ગેસની ભયંકર અછત સર્જાઈ છે. 

100 એકમો બંધ 5000 બેરોજગાર

સિરામિક એસોસીએશનના પ્રમુખ મનોજ એરવાડિયાના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં 100 જેટલા યુનિટો બંધ થઈ ચૂક્યા છે. આ બંધને કારણે અંદાજે 5,000 જેટલા શ્રમિકોએ રોજગારી ગુમાવી છે. જો આગામી 10 દિવસમાં સ્થિતિ નહીં સુધરે, તો તમામ 1,100 સિરામિક એકમો બંધ કરવાની ફરજ પડી શકે છે. હાલમાં ગુજરાત ગેસ તરફથી માત્ર 50% પુરવઠો જ મળી રહ્યો છે. જો તમામ એકમો બંધ થાય તો પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જોડાયેલા 10 લાખ લોકોની રોજીરોટી પર અસર પડશે. 

આ પણ વાંચો : દેશની સૌથી મોટી બેન્ક પણ 'મફતની રેવડી' અંગે ચિંતિત, કહ્યું - સરકાર રોજગાર આપવા પર ધ્યાન આપે

પેપરમિલ ઉદ્યોગ પણ મુશ્કેલીમાં

પેપરમિલ ઉદ્યોગ માટે પણ કપરા દિવસો શરૂ થયા છે. ભાડામાં 2000 ડોલરનો વધારો થયો છે. માત્ર સિરામિક જ નહીં, પણ મોરબીનો પેપરમિલ ઉદ્યોગ પણ ઠપ્પ થવાના આરે છે.પેપરમિલ એસોસીએશનના પ્રમુખ શૈલેષ પટેલના જણાવ્યા મુજબ, કાચા માલની આયાત (Import) અટકી પડી છે. શિપિંગ રૂટ બંધ થવાને કારણે એક્સપોર્ટ ચાર્જમાં 2,000 ડોલરનો તોતિંગ વધારો થયો છે. કોલસાના ભાવમાં પણ ટને રૂ. 1,000નો ઉછાળો જોવા મળ્યો છે. મોરબીની 52 પેપરમિલોનું વાર્ષિક ટર્નઓવર 5,000 કરોડ છે, જે અત્યારે જોખમમાં છે.

વેઈટ એન્ડ વોચની સ્થિતિ

ગલ્ફ દેશો અને યુરોપમાં થતી નિકાસ અટકી પડતા ઉદ્યોગપતિઓ અત્યારે 'વેઈટ એન્ડ વોચ'ની સ્થિતિમાં છે. નવા ઓર્ડર લેવાનું બંધ કરી દેવામાં આવ્યું છે અને એક્સપોર્ટ ઓર્ડર સ્થગિત કરવામાં આવ્યા છે. જો યુદ્ધ વધુ એક સપ્તાહ ખેંચાશે, તો આ બંને ઉદ્યોગો સંપૂર્ણપણે બંધ થઈ જવાની ભીતિ સેવાઈ રહી છે.