Get The App

વેરાવળમાં નશાની હાલતમાં યુવાનનો હોસ્પિટલની અગાશીએથી આપઘાત

Updated: Jun 1st, 2026

GS TEAM

Google News
Google News
વેરાવળમાં નશાની હાલતમાં યુવાનનો હોસ્પિટલની અગાશીએથી આપઘાત 1 - image

રાત્રિના 3 વાગ્યા આસપાસ ઘરેથી નીકળી ગયો હતો : યુવાનની માતાએ કહ્યું, 'એણે બેવડો નશો કર્યો હતો, અમે બાંધ્યો હતો પણ રાતે ક્યારે હાથતાળી દઈ નીકળી ગયો એ ખબર ન પડી'

વેરાવળ, : વેરાવળની સિવિલ હોસ્પિટલમાં રવિવારે વહેલી સવારે પારિવારિક ઝઘડા અને નશાની હાલતમાં 19 વર્ષીય શ્રમિકે હોસ્પિટલનાત્રીજા માળેથી છલાંગ મારી આત્મહત્યા કરી લીધી હતી. હોસ્પિટલ પરિસરમાં બનેલી આ સનસનાટીપૂર્ણ દુર્ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા યુવકનું ટૂંકી સારવાર બાદ કરૂણ મોત નિપજ્યું છે, જેને પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે.

પ્રાપ્તવિગતો અનુસાર, વેરાવળ સિવિલ હોસ્પિટલ નજીક આવેલા મફતિયાપરા રિંગ રોડ વિસ્તારમાં રહેતો કરણ સોલંકી ( ઉ.વ. 19) રવિવારે વહેલી સવારે ઘરેથી નીકળી જઈ સાડા ત્રણથી ચાર વાગ્યા દરમિયાન હોસ્પિટલ પરિસરમાં પહોંચ્યો હતો. પ્રાથમિક ચર્ચા મુજબ, યુવક ઘરમાં ચાલી રહેલા પારિવારિક ઝઘડાના કારણે ભારે તણાવમાં હતો અને નશાની હાલતમાં હોસ્પિટલ આવી પહોંચ્યો હતો અને ત્રીજા માળેથી ધડાકા સાથે નીચે પટકાતાની સાથે જ હોસ્પિટલ પરિસરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. લોહીથી લથબથ અત્યંત ગંભીર હાલતમાં યુવકને હોસ્પિટલ સ્ટાફે તાત્કાલિક ઈમરજન્સી સારવાર માટે ખસેડયો હતો. જો કે શરીરના ભાગે થયેલી ગંભીર આંતરિક ઈજાઓના કારણે ટૂંકી સારવાર દરમિયાન જ તેનું કરૂણ મોત નિપજ્યુંહતું.

મૃતક શ્રમિક કરણની માતાના જણાવ્યા મુજબ 'તે રાતે એ દારૃ અને ગાંજો બેય સાથે પી ગયો, રાતે અમે એને બાંધ્યો હતો. મેં કીધું આને બાંધીને અને પોલીસ ચોકીમાં મૂકી આવીએ અથવા પોલીસવાળાને બોલાવીએ તો લઈ જાય.પોલીસવાળા લેવા આવ્યા નહીં અને આ છોકરો અમને હાથતાળી દઈને ક્યારે ભાગી ગયો એ કાંઈ ખબર ન પડી. અમે ગોતવા નીકળ્યા ત્યાં  એક ભાઈ આવ્યા અમને કીધું કે ઉઘાડા ડીલે એક છોકરો  બૂમો પાડતો હતો એણે દવાખાનાની અગાશી પરથી કૂદકો છે માર્યો છે.'