Gujarat

સાબરકાંઠા: ખેડબ્રહ્મામાં 9 દિવસના બાળકના વેચાણના રેકેટનો પર્દાફાશ, અમદાવાદ-રાજસ્થાનના 5 શખસો ઝડપાયા

By GS TEAM
23 Mar 20262 mins read
TukuTouch Logo
સાબરકાંઠા જિલ્લામાં માનવ તસ્કરીની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ખેડબ્રહ્મા વિસ્તારમાં માત્ર નવ દિવસના નવજાત બાળકને બે લાખ રૂપિયામાં વેચી દેવાના રેકેટનો સાબરકાંઠા એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU)એ પર્દાફાશ કર્યો છે. આ મામલે પોલીસે આંતરરાજ્ય ટોળકીના પાંચ શખસોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સાબરકાંઠા: ખેડબ્રહ્મામાં 9 દિવસના બાળકના વેચાણના રેકેટનો પર્દાફાશ, અમદાવાદ-રાજસ્થાનના 5 શખસો ઝડપાયા

Child Trafficking Racket Busted in Sabarkantha: સાબરકાંઠા જિલ્લામાં માનવ તસ્કરીની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ખેડબ્રહ્મા વિસ્તારમાં માત્ર નવ દિવસના નવજાત બાળકને બે લાખ રૂપિયામાં વેચી દેવાના રેકેટનો સાબરકાંઠા એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU)એ પર્દાફાશ કર્યો છે. આ મામલે પોલીસે આંતરરાજ્ય ટોળકીના પાંચ શખસોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ખાનગી બાતમીથી ફૂટ્યો ભાંડો

મળતી માહિતી અનુસાર, સાબરકાંઠા AHTU શાખાને મળેલી ચોક્કસ બાતમીના આધારે આ સમગ્ર ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. બાતમી મળી હતી કે ખેડબ્રહ્માના પોણાઈ ગામનો માલજી ઉર્ફે માલિયો ડાભી નવજાત બાળકોની હેરાફેરી અને તસ્કરીમાં સંડોવાયેલો છે. પોલીસે છટકું ગોઠવી માલજીને મટોડા ગામ પાસેથી ઝડપી લીધો હતો.

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં માલજીએ કબૂલાત કરી હતી કે તેણે અંદાજે 15 દિવસ પહેલા મેડી ગામના એક પરિવારના નવજાત બાળકને અમદાવાદના એક વ્યક્તિને 2 લાખ રૂપિયામાં વેચ્યું હતું. આ કબૂલાતના આધારે પોલીસે તપાસનો દોર અમદાવાદ અને રાજસ્થાન સુધી લંબાવ્યો હતો.

આ પણ વાંચો: અમદાવાદ: કણભા પોલીસના હેડ કોન્સ્ટેબલે દારૂ પીને રોફ જમાવ્યો, લારીવાળાને માર મારતા લોકોએ પોલીસકર્મીને લમધાર્યો

ઝડપાયેલા પાંચ આરોપીઓ

આ ગુનામાં સંડોવાયેલા અને ધરપકડ કરાયેલા આરોપીઓમાં સાબરકાંઠા, અમદાવાદ અને ઉદેપુર (રાજસ્થાન) ના શખ્સો સામેલ છે, માલજી ઉર્ફે માલિયો ડાભી (રહે. પોણાઈ, ખેડબ્રહ્મા), સુવન ઉર્ફે સોવમ ડાભી (રહે. દિગ્ધલી, ખેડબ્રહ્મા), દેવજી ઉર્ફે દેવા પારધી (રહે. મામરે, ઉદેપુર, રાજસ્થાન), લક્ષ્મણ ડાભી (રહે. મેડી ગામ, ઉદેપુર, રાજસ્થાન) અને પ્રમોદ રાજવંશી (રહે. મોટેરા, અમદાવાદ)ની ધરપકડ કરી છે. 

આ મામલે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં આરોપીએ સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023 ની કલમ 143(4), 61(2)(A) અને 54 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. બાળકની તસ્કરી પાછળ અન્ય કોઈ મોટું નેટવર્ક કામ કરી રહ્યું છે કે કેમ તે દિશામાં AHTU અને સ્થાનિક પોલીસ વધુ તપાસ કરી રહી છે.