Ahmedabad Police Controversy: અમદાવાદ ગ્રામ્ય પોલીસકર્મીના એક પછી એક વિવાદ સામે આવી રહ્યા છે. પહેલા બોપલમાં PSI જયેશ કાલોતરાએ અરજદાર સાથે સામાન્ય વાતમાં અભદ્ર શબ્દો બોલી રોફ જમાવ્યો હતો. હવે કણભા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ દીપક ડામોરે નશાની હાલતમાં કુહા ગામે ફાસ્ટ ફૂડની લારી પર જઈ ધમાલ મચાવતા ચકચાર મચી ગઈ છે.આ ઘટનામાં લોકોએ નશામાં ધૂત હેડ કોન્સ્ટેબલને માર માર્યો છે. આ દરમિયાન તેની કારમાંથી દારૂની બોટલો પણ મળી આવી છે. મહત્ત્વનું છે કે, આ હેડ કોન્સ્ટેબલ સામે પોલીસે પ્રોહીબિશન અને મારામારીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
નશામાં ધૂત કોન્સ્ટેબલની કારમાંથી મળી દારૂની બોટલો
આ ઘટના અંગે મળતી માહિતી મુજબ, અમદાવાદ ગ્રામ્યના કુહા ગામે ગત રાત્રે કણભા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ દીપક ડામોરે નશાની હાલતમાં ફાસ્ટ ફૂડની લારી પર જઈને ધમાલ મચાવી મારઝૂડ કરી હતી, જેના વિરોધમાં એકઠા થયેલા ગ્રામજનોએ હેડ કોન્સ્ટેબલને માર માર્યો હતો. આ પછી તેની ગાડીમાંથી દારૂની ભરેલી તથા ખાલી બોટલો મળી આવતા 112 પોલીસને બોલાવી હતી. આ પછી 112ની ટીમે નશામાં ધૂત પોલીસકર્મીને ત્યાંથી રવાના કરી દીધો હતો અને ફરિયાદીને જ પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. જે બાદ મોડી રાત્રે 3:00 વાગ્યા સુધી પોલીસ દ્વારા કોઈ કડક કાર્યવાહી કરવાને બદલે માત્ર અરજી લઈને સંતોષ મનાયો હતો.
આ પણ વાંચો: અમદાવાદ: ધોળકાના ઈંગોલી ગામે ક્રિકેટ રમવા બાબતે હિંસક અથડામણ, જાહેરમાં ફાયરિંગ થતા ચકચાર
આ ઘટના અંગે કણભા પોલીસ સ્ટેશનના PIએ જણાવ્યું હતું કે, વીડિયોમાં મારામારી કરનાર પોલીસકર્મી 112નો નથી, પરંતુ તે કણભા પોલીસ સ્ટેશનનો છે. તેણે દારૂ પીધો હતો અને ફાસ્ટફૂડવાળાને ત્યાં મારામારી કરી હતી તે વાત સાચી છે, જેના પગલે અમે ગઈકાલે રાત્રે જ તેની સામે ફરિયાદ નોંધીને ગુનો દાખલ કરી દીધો છે. આ પોલીસ કર્મી કણભા પોલીસ સ્ટેશનનો હેડ કોન્સ્ટેબલ દીપક ડામોર છે. અમે તેની સામે પ્રોહીબિશન અને મારામારી કરવાની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે અને હાલમાં તેના વિરુદ્ધ આગળની તપાસ ચાલી રહી છે.'


