| (AI IMAGE) |
International Men's Day: પુરુષ એટલે પોલાદી મિજાજનો પર્યાય અને કોઇપણ સ્થિતિમાં તે માનસિક રીતે પડી ભાંગે નહી તેવી સદીઓથી એક છાપ પડેલી છે. પરંતુ હકીકત કંઇક અલગ જ છે. છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં લગ્ન, કારકિર્દી જેવી સમસ્યાઓને કારણે આત્મહત્યા કરનારા પુરુષોના પ્રમાણમાં ચિંતાજનક વધારો જોવા મળ્યો છે.
બેરોજગારી અને ધંધાની મુશ્કેલી: પુરુષોમાં હતાશાના મુખ્ય કારણો
આજે 'ઈન્ટરનેશનલ મેન્સ ડે' છે ત્યારે મનોચિકિત્સકો પાસે વધતા પુરુષ દર્દી અને આત્મહત્યામાં તેમનું વધતું પ્રમાણ ચિંતાનો વિષય બન્યા છે. કારકિર્દીની સમસ્યાને કારણે આત્મહત્યા કરનારા પુરુષોનું પ્રમાણ 2018માં 106 હતું અને તે 2023માં વધીને 311 થયું છે. નોકરી નહીં મળવી, ધંધા-રોજગારમાં સમસ્યા તેના માટે વિવિધ જવાબદાર પરિબળ છે.

5 વર્ષમાં 1303 પુરુષ અને 817 મહિલાએ જીવ ગુમાવ્યો
પાંચ વર્ષના આ સમયગાળામાં 70 મહિલાઓએ કારકિર્દીને કારણે આત્મહત્યા કરી છે. પ્રેમપ્રકરણને કારણે 2022માં 409 પુરુષ અને 269 મહિલાઓએ આત્મહત્યા કર્યાનું સામે આવ્યું છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરોના અહેવાલ અનુસાર વર્ષ 2018થી 2023 દરમિયાન ગુજરાતમાંથી લગ્નને લગતી વિવિધ સમસ્યાને કારણે 1303 પુરુષ અને 817 મહિલાએ આત્મહત્યા કરી છે.

લગ્ન અને સંબંધોના કારણે પુરુષોમાં વધતો મૃત્યુઆંક
વર્ષ 2023માં 86 પુરુષે લગ્ન નહીં થવા, 19 પુરુષે લગ્નેતર સંબંધને કારણે, 62 પુરુષે છૂટાછેડાથી આત્મહત્યા કરી હતી. આ સિવાય 1189 પુરુષને પારિવારિક સમસ્યાને કારણે પોતાનું જીવન ટૂંકાવવું પડ્યું છે.

પુરુષો પણ સંવેદનશીલ હોય છે, અભિવ્યક્તિ છે જરૂરી
મનોચિકિત્સકોના મતે પુરુષો પણ સંવેદનશીલ હોય જ છે. ફરક માત્ર એ છે કે તેઓ ખુલીને ખૂબ જ ઓછા વ્યક્ત થાય છે. પ્રત્યેક પુરુષે પણ પોતાના ખાસ મિત્ર-ઘરના સદસ્યો સમક્ષ પોતાના હૃદયની લાગણીઓ વ્યક્ત કરતા રહેવું જોઇએ. આત્મહત્યા કરવી તે કોઇ વિકલ્પ તો નથી જ પણ લાગણી વ્યક્ત કરવાથી તો ચોક્કસ કોઇને કોઇ રસ્તો મળી રહેશે.


