Gujarat

ખડખંભાળિયામાં વીજ ચોરી અંગે કારખાનેદારને 3 વર્ષની જેલ સજા

By GS TEAM
15 Oct 20251 min read
ખડખંભાળિયામાં વીજ ચોરી અંગે કારખાનેદારને 3 વર્ષની જેલ સજા

પાવર ચોરીમાં અદાલતે તકસીરવાન ઠરાવી

જેલ સજા ઉપરાંત વીજ ચોરી રૂા.૧૭,૬પ,૪૪૭ની રકમનો ત્રણ ગણો રૂા.પર,૯૬,૩૪રનો દંડ ફટકાર્યો

જામનગર: જામનગર નજીક કનસુમરા ગામમાં રહેતા અને ખડખંભાળિયા ગામ પાસે સલ્ફરનું કારખાનું ચલાવતા એક કારખાનેદારને વીજ ચોરીના કેસમાં જામનગરની અદાલતે તકસીરવાન ઠરાવી ત્રણ વર્ષની જેલ સજા ફટકારી છે. સાથો સાથ પકડાયેલી રૂપિયા ૧૭,૬પ,૪૪૭ની વીજચોરીથી ત્રણ ગણો એટલે કે પર.૯૬ લાખથી વધુનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. 

આ કેસના આરોપી વિપુલભાઈ કારાભાઈ તંબોલીયા ખડખંભાળિયા ગામે સલ્ફર ખાતર બનાવવાનું કારખાનું ચલાવે છે. જેમાં વીજપાવર કારખાનાની નજીકમાં આવેલ ૬૩ કે.વી.એ. ટી.સી. પરના એલ.ટી. સ્ટુડ ઉપરથી વધારાના પ્રાઈવેટ કેબલ વાયરથી જોડાણ આપી બીજો છેડો વીજ મીટરના લોડ સાઈડ વાયરમાં જોડાણ આપી વીજ પાવર પુરવઠો મેળવી કારખાનામાં ખાતર બનાવવામાં વીજ વપરાશ કરતા વીજ ચેકિંગ દરમિયાન પકડાઈ ગયા હતા. આથી તેને કુલ રૂપિયા ૧૭,૬પ,૪૪૭ની વીજ ચોરી અંગેનો કેસ કરવામાં આવ્યો હતો. જે બાબતે ઈલેકટ્રીક સીટી એકટની કલમ ૧૩પ મુજબ ગુનો દાખલ કરાયો હતો. 

આ કેસ એડિશનલ ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજની કોર્ટમાં ચાલી જતા સરકાર તરફેની દલીલો ગ્રાહ્ય રાખી આરોપીને તકસીરવાન ઠરાવી ત્રણ વર્ષની સાદી કેદની સજા તથા વીજ ચોરીના રકમની ત્રણ ગણી રકમનો દંડ એટલે કે પર,૯૬,૩૪રનો દંડ અને દંડ ન ભરે તો વધુ છ માસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ સેશન્સ જજ એસ.એમ. ક્રીસ્ટી દ્વારા કરાયો છે.