Mumbai-Ahmedabad Bullet Train First Look Unveiled: મુંબઈ અને અમદાવાદ વચ્ચે દોડનારી ભારતની હાઇ-સ્પીડ બુલેટ ટ્રેનનો ફર્સ્ટ લુક સત્તાવાર રીતે જાહેર કરી દેવામાં આવ્યો છે. રેલવે મંત્રાલયે આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટની એક ઝલક દુનિયા સમક્ષ મૂકી છે. નવી દિલ્હીમાં આવેલી રેલવે મંત્રાલયની બિલ્ડિંગના ગેટ નંબર 4 પર આ હાઇ-સ્પીડ ટ્રેન સેટનો એક ફોટો પ્રદર્શિત કરવામાં આવ્યો છે. આ ડિસ્પ્લેમાં ટ્રેનની અત્યંત આધુનિક એરોડાયનેમિક ડિઝાઇન સ્પષ્ટપણે જોઈ શકાય છે.
મુંબઈ-અમદાવાદ હાઇ-સ્પીડ રેલ કોરિડોર કુલ 508 કિલોમીટર લાંબો છે. જે સત્તાવાર રીતે 15મી ઑગસ્ટ, 2027ના રોજ લોન્ચ કરવામાં આવે તેવી શક્યતા છે.અત્યારે ટ્રેન કે બસમાં જે મુસાફરી માટે કલાકોના કલાકો બગાડવા પડે છે, તે અંતર બુલેટ ટ્રેન માત્ર આશરે 2 કલાકમાં કાપી નાખશે.
બુલેટ ટ્રેન આ આખા રૂટ પર કુલ 12 સ્ટેશનો પર ઊભી રહેશે: મુંબઈ (બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ), થાણે, વિરાર, બોઇસર, વાપી, બિલીમોરા, સુરત, ભરુચ, વડોદરા, આણંદ / નડિયાદ, અમદાવાદ, સાબરમતી.
ભારતમાં પહેલી ટનલ જે સમુદ્રની અંદર હશે
બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ હાલમાં જ મુંબઈના પૂર્વીય ઉપનગર વિક્રોલી ખાતે ટનલ બનાવવા માટે દેશનું પહેલું ટનલ બોરિંગ મશીન 'કટરહેડ' જમીનની અંદર ઉતારી દેવામાં આવ્યું છે. 13.6 મીટર વ્યાસ ધરાવતું આ વિશાળ કટરહેડ આશરે 350 ટન વજન ધરાવે છે. મુંબઈમાં કુલ 21 કિલોમીટર લાંબી ટનલ બનાવવામાં આવશે જેમાં થાણે ક્રિકની નીચે 7 કિલોમીટર લાંબી દેશની પહેલી અંડર સી ટનલ(સમુદ્રની અંદર) બનાવવામાં આવશે.
હાલમાં જ રેલવે મંત્રીએ આપી હતી અપડેટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સપ્ટેમ્બર 2017માં અમદાવાદના સાબરમતી ખાતે મેગા પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. હાલમાં જ ગુજરાતની મુલાકાતે આવેલા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, પ્રોજેક્ટનું કામ ખાસ કરીને ગુજરાતમાં ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે. વાયર ડક્ટ ઇન્સ્ટોલેશન અને ગર્ડર પ્લેસમેન્ટ જેવા મોટા કામો પૂર્ણ થઈ ગયા છે. અત્યારે ટ્રેક બિછાવવાનું અને ઈલેક્ટ્રિકલ વાયરિંગનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે.


