Get The App

રાજ્યનાં આરોગ્ય કર્મચારીઓની પડતર પ્રશ્નોનાં મામલે 8મીથી બેમુદ્દતી હડતાળ

Updated: Aug 5th, 2022

GS TEAM

Google News
Google News
રાજ્યનાં આરોગ્ય કર્મચારીઓની પડતર પ્રશ્નોનાં મામલે 8મીથી બેમુદ્દતી હડતાળ 1 - image


ગ્રેડ- પે સહિતની માગણીઓનાં મુદ્દે ચોથી વખત હડતાળનું એલાન  : પંચાયતનાં હેલ્થ વર્કર સહિત ચાર કેડરનાં કર્મચારીઓ આંદોલનનાં માર્ગે, કોરોના કાળમાં 72 દિવસ ફિલ્ડમાં કામ કર્યું તેનું ભથ્થું ચૂકવવા માગણી 

રાજકોટ, : રાજયભરમાં  તલાટીઓની અચોકકસ મુદતની હડતાળ જારી છે ત્યાં પંચાયત વિભાગનાં આરોગ્ય કર્મચારીઓએ આગામી તા. 8મી ઓગસ્ટથી બેમુદતી હડતાળનું એલાન આપી સરકાર સામે મોરચો માંડયો છે. ગ્રેડ - પે સહિતની માગણીઓને લઈને આરોગ્ય કર્મચારીઓએ આ ચોથી વખત હડતાળનું એલાન આપ્યુ છે. 

ગુજરાત રાજય આરોગ્ય કર્મચારી મહાસંઘના નેજા હેઠળ મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ વર્કર અને સુપરવાઈઝર મહિલા - પુરૂષ મળી ચાર કેડરનાં આરોગ્ય કર્મચારીઓ હડતાળ પર જશે. મુખ્યમંત્રીને મહાસંઘે આજે પત્ર લખીને તાકિદે માગણીઓ સંતોષવા રજુઆત કરી છે. આરોગ્ય કર્મચારીઓની મુખ્ય ત્રણ માગણીઓ છે. મહાસંઘનાં હોદેદારોએ જણાંવ્યુ હતું કે, રૂ. 1900 નો ગ્રેડ છે તે રૂ. 2800 નો કરવા માટે લાંબા સમયથી રજુઆત કરવામાં આવી રહી છે આ ઉપરાંત ફેરણી ભથ્થુ (પીટીએ ) અને કોવિડનાં સમયમાં 72 દિવસ ઘેર ઘેર ફરી કામ કર્યુ તે કામ બદલ તબીબોને ખાસ ભથ્થુ ચુકવાયું પરંતુ ખરેખર ફિલ્ડમાં કામ કરનારા કર્મચારીઓને કોઈ ભથ્થુ અપાયુ નથી તે આપવાની માગણી છે. 

ગ્રેડ પે સહિતનાં પ્રશ્નોને લઈને અગાઉ વર્ષ 2017 2019, 2021માં હડતાળ પાડી હતી પરંતુ જે તે સમયે સરકારે ખાતરી આપતા સમેટી લેવામાં આવી હતી. ગત તા. 27 જુલાઈ 2022નાં રોજ પંચાયત મંત્રીની હાજરીમાં હોદેદારોની બેઠક મળી હતી તેમાં મુખ્ય પ્રશ્નોનાં ઉકેલની ખાતરી આપી હતી છતાં નિરાકરણ માટે કોઈ હુકમો થયા નથી અંતે મહાસંઘની બેઠક મળતા તેમાં તા. 8 મીથી બેમુદતી હડતાળનું એલાન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. રાજકોટ જિલ્લામાં 700 સહિત રાજયમાં આઠ હજાર જેટલા કર્મચારીઓ મહાસંઘ સાથે જોડાયેલા છે. 

Tags :