Gujarat

ન્યુ વાવોલમાં ખડકાઇ રહેલાં કચરાના ઢગથી ગંદકીમાં વધારો

By GS Team
31 Jul 20202 mins read
This article was originally published on 31 Jul 2020
ન્યુ વાવોલમાં ખડકાઇ રહેલાં કચરાના ઢગથી ગંદકીમાં વધારો

ગાંધીનગર, તા. 31 જુલાઇ 2020, શુક્રવાર

ગાંધીનગર નજીક આવેલાં વાવોલ ગામમાં કચરાના નિકાલ બાબતે યોગ્ય વ્યવસ્થા નહીં હોવાથી વિકાસ પામી રહેલાં નવા વાવોલમાં કચરાના ઢગ ખડકાઇ રહે છે. જેના પગલે ગંદકીમાં પણ વધારો થઇ રહ્યો છે. સેક્ટર-૫માંથી વાવોલ તરફ જતાં માર્ગમાં આવતાં ફાટક બાદ જે વસાહતી વિસ્તાર આવેલો છે ત્યાં કચરાના ઢગથી ગંદકીનું પ્રમાણ પણ વધી જવા પામ્યું છે. ત્યારે સ્થાનિક રહિશોને પણ દુર્ગંધનો સામનો કરીને અવર જવર કરવી પડે છે. સમયસર કચરાનો યોગ્ય નિકાલ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

પાટનગરની પાસે આવેલાં વાવોલ ગામમાં વિકાસ પામી રહેલાં ન્યુ વાવોલમાં અસંખ્ય સોસાયટીઓ આવેલી છે. જ્યાં આગળ મોટી સંખ્યામાં અનેક પરિવારો વસવાટ કરી રહ્યાં છે. આ વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓ ઉભી કરવામાં તંત્ર દ્વારા આળસ દાખવવામાં આવતી હોય તેમ રહિશોને પુરી પાડી શકતું નથી. સેક્ટર-૫માંથી વાવોલ તરફ જતાં માર્ગને રેલ્વે ફાટક બાદ શરૂ થતાં વસાહતી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી કચરાના ઢગ ખડકાયેલા નજરે પડી રહ્યાં છે. જેથી રખડતાં ઢોરો પણ કચરાની આસપાસ જ અડીંગો જમાવીને બેસી રહેતાં હોય છે. તો બીજી તરફ કચરાનો સમયસર નિકાલ નહીં થતાં ગંદકીમાં પણ વધારો થઇ રહ્યો છે અને અવર જવર કરતાં વાહનચાલકો તેમજ સ્થાનિક રહિશોને દુર્ગંધનો સામનો કરવો પડે છે. આ વિસ્તારમાં આવેલાં માર્ગો પણ બિસ્માર બની જવાના કારણે અકસ્માતના ભયે લોકોને અવર જવર કરવી પડે છે. હાલમાં ચોમાસાની મોસમ ચાલી રહી છે ત્યારે વરસાદ પડયા બાદ કચરાના ઢગથી ગંદકીમાં વધારો નોંધાઇ રહ્યો છે અને રહિશો પણ ત્રસ્ત થઇ ગયા છે. ત્યારે સ્થાનિક તંત્ર દ્વારા કચરાનો સમયસર નિકાલ કરવામાં આવે તેવી માંગ પણ ઉઠવા પામી છે