Gujarat

વોર્ડનંબર ૧૨માં વધુ બે સ્થળોએ માર્ગો પર ભુવા પડવાની ઘટનાઓ

By GS TEAM
21 Dec 20251 min read
વોર્ડનંબર ૧૨માં વધુ બે સ્થળોએ માર્ગો પર ભુવા પડવાની ઘટનાઓ

શહેરના વોર્ડ નંબર ૧૨માં સમાવિષ્ટ વિસ્તારોમાં માર્ગો પર અવારનવાર ભુવા પડવાની ઘટનાઓ સામે આવી રહી છે, જેને કારણે નાગરિકોમાં ભય અને રોષ ફેલાયો છે. ચોમાસા વગર જ રસ્તાઓ ધસી પડવાની ઘટનાઓ વધતા સામાજિક કાર્યકરે મ્યુ. કોર્પોરેશનની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે.

મળતી માહિતી મુજબ, છેલ્લા બે દિવસમાં વોર્ડનંબર ૧૨માં બે અલગ અલગ સ્થળોએ ભુવા પડ્યા છે. ગઈકાલે શિવાજી ચોક નજીક મૂજમહુડા રોડ પર જોગણી માતાના મંદિર પાસે લગભગ ત્રણ ફૂટ પહોળો અને છ ફૂટ ઊંડો ભુવો પડતા સામાજિક કાર્યકરે તાત્કાલિક તંત્રનું ધ્યાન દોર્યું હતું. મ્યુ. કોર્પોરેશન દ્વારા તાત્કાલિક ભુવાનું સમારકામ કરવામાં આવ્યું હતું.

તે બાદ આજે બીપીસી રોડ પર રાધાકૃષ્ણ સર્કલ પાસે ફરી ત્રણ ફૂટ પહોળો અને છ ફૂટ ઊંડાઈ ધરાવતો ભુવો પડતાં સુરક્ષાના ભાગરૂપે મ્યુ. કોર્પોરેશન દ્વારા ભુવાની આસપાસ બેરિકેડ મૂક્યા છે.

સામાજિક કાર્યકરે જણાવ્યું હતું કે, વોર્ડ નંબર ૧૨માં છેલ્લા એક મહિનામાં ૧૨થી વધુ સ્થળોએ ભુવા પડવાની ઘટનાઓ નોંધાઈ છે. કેટલાક સ્થળોએ સમારકામ કર્યા બાદ પણ ફરી ભુવા પડ્યા છે, જે કામગીરીમાં નિષ્કાળજી અને ગુણવત્તાના અભાવ તરફ ઈશારો કરે છે. આ કારણે સમય અને નાણાંનો વ્યય થઈ રહ્યો છે. ભુવા પડવાથી વાહન વ્યવહારને અવરોધ સર્જાઈ રહ્યો છે.