અમદાવાદ,ગુરુવાર,12 માર્ચ,2026
અમદાવાદમાં કેટલાક દિવસથી મહત્તમ તાપમાનમા વધારો થતા બપોરના
સમયે કાળઝાળ ગરમીનો શહેરીજનો સામનો કરી રહયા છે. મ્યુનિસિપલ કમિશનરે શહેરના વિવિધ
વિસ્તારમા આવેલા સ્લમ અને ચાલી સુધી કોર્પોરેશન વતીથી પાણીના ટેન્કર અને
ઓ.આર.એસ.જેવી સેવા પહોંચાડવા અધિકારીઓને આદેશ કર્યો છે.ઉપરાંત ગરમીમા પણ ફરજ
બજાવતા ટ્રાફિક પોલીસ તથા ટી.આર.બી.જવાનો માટે પણ ઓ.આર.એસ.ની વ્યવસ્થા કરવા સુચના
આપી હતી.
કમિશનર બંછાનિધિ પાનીએ ગરમીને લઈ તંત્રે કયા પ્રકારની તૈયારી કરી છે.તે અંગે ડેપ્યુટી
મ્યુનિસિપલ કમિશનર ભરત ભાઈ પરમાર પાસે વિગત માંગી હતી. આ સમયે તેમણે કહયુ, કોર્પોરેશનના
તમામ અર્બન અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે ઓ.આર.એસ. કોર્નર ઉભા કરવામા આવ્યા
છે.ત્યારે કમિશનરે કહયુ તમે મને સમજાવો કે ઓ.આર.એસ.કોર્નર એટલે શું? તમારે આ પ્રકારના
કોર્નર એએમટીએસ,બી.આર.ટી.એસ.
બસસ્ટોપથી લઈ એવી જગ્યાએ ઉભા કરવા જોઈએ કે જયાં શ્રમિકો કામ કરતા હોય. આ તબકકે
આરોગ્ય અધિકારી ભાવિન સોલંકીએ ટાપસી પુરાવતા કહયુ, સી.એચ.સી. ઉપર પેશન્ટની સંખ્યા વધી જાય તો કામમા આવે. આ
સાંભળી કમિશનર અકળાયા હતા અને કહયુ,
ત્યાં તો તમામ મેડીકલ ફેસીલીટી ઉપલબ્ધ જ હોય છે.સ્લમ વિસ્તારના મકાનોની છત ઉપર
સફેદ ચૂનો લગાવો જેથી તાપમાન સામે રહેતા લોકોને રક્ષણ મળી રહે.આ જોઈને બીજા લોકો
પણ તેમ કરવા માટે પ્રેરાય .
સ્લમ પોકેટને લઈ હેલ્થ ઓફિસરનુ જુઠ્ઠાણુ કમિશનરે પકડયુ
કોર્પોરેશનના હેલ્થ ઓફિસર ડોકટર તેજસ શાહને મ્યુનિસિપલ
કમિશનરે પુછયુ, અમદાવાદમાં
કુલ સ્લમ અને ચાલી પોકેટ કેટલા?
ત્યારે આરોગ્ય અધિકારીએ કહયુ,
એક હજાર. કમિશનરે તેમને ઠપકો આપતા કહયુ,
તમને ખબર હોવી જોઈએ કે શહેરના વિવિધ વોર્ડમા હાલમા પણ પાંચ હજારથી વધુ સ્લમ
અને ચાલી પોકેટ આવેલા છે.
પ્રજાના પ્રતિનિધીના ફોન ઉપાડજો, ફરિયાદોનો નિકાલ
કરજો
મ્યુનિસિપલ કમિશનરે અધિકારીઓને કહયુ, હાલમા
કોર્પોરેશનમા પ્રજાના કોઈ પ્રતિનિધિ નથી.છતાં સી.સી.આર.એસ.દ્વારા કે પ્રજાના
પ્રતિનિધિ રોડ,ગટર કે
પાણીને લગતી તેમના મત વિસ્તારની કોઈ ફરિયાદ કરવા ફોન કરે તો ફોન ઉપાડી ફરિયાદનો
નિકાલ કરજો.


