Gujarat

ઓગસ્ટના છેલ્લા સપ્તાહમાં દેશી, વિદેશી દારૂના 207 કેસમાં 213 શખ્સો સામે ગુનો નોંધાયો

By GS TEAM
2 Sep 20252 mins read
ઓગસ્ટના છેલ્લા સપ્તાહમાં દેશી, વિદેશી દારૂના 207 કેસમાં 213 શખ્સો સામે ગુનો નોંધાયો

- શહેર-જિલ્લામાં પોલીસની કાર્યવાહી છતાં છાનેખુણે દારૂ-જુગારની પ્રવૃત્તિ શરૂ

- પોલીસે 1579 લીટર દેશી દારૂ અને વિદેશી દારૂની 288 બોટલ ઝડપી, જુગારના 27 કેસોમાં 154 જુગારીઓ ઝડપાયા

ભાવનગર : ભાવનગર શહેર-જિલ્લામાં ચાલતી દારૂ-જુગારની પ્રવૃત્તિ સામે ઓગસ્ટ માસના અંતિમ સપ્તાહમાં ભાવનગર પોલીસ આક્રમક જોવા મળી છે. ૨૩ ઓગસ્ટથી ૩૦ ઓગસ્ટ દરમિયાન જિલ્લામાં દેશી વિદેશી દારૂના કુલ ૨૦૭ કેસોમાં ૨૧૩ શખ્સો સામે પોલીસે ગુના નોંધ્યા છે. ઉપરાંત ૨૭ કેસોમાં ૧૫૪ જુગારીઓને ઝડપી પાડયા છે. પોલીસ દ્વારા કાર્યવાહી છતાં હજુ છાનેખુણે શહેર-જિલ્લામાં દારૂ-જુગારની પ્રવૃત્તિ ચાલી રહી છે.

ભાવનગર શહેર-જિલ્લામાં ચાલતી દારૂ-જુગારની પ્રવૃત્તિ સામે જિલ્લા પોલીસવડા તરીકે તા.૨૩ ઓગસ્ટના રોજ ચાર્જ સંભાળ્યા બાદ નિતિશ પાંડેય પ્રારંભમાં આક્રામક જોવા મળી રહ્યાં છે. તા.૨૩થી તા.૩૦ ઓગસ્ટ સુધીના ઓગસ્ટ માસના અંતિમ સપ્તાહમાં ભાવનગર શહેર અને જિલ્લામાં પોલીસે દેશી અને વિદેશી દારૂના કુલ ૨૦૭ કેસોમાં ૨૧૩ શખ્સો સામે ગુના નોંધ્યા છે. જેમાં પોલીસે કુલ ૧૫૭૯ લીટર દેશી દારૂ ઝડપી પાડયો છે. જ્યારે વિદેશી દારૂની ૨૮૮ બોટલ ઝડપી છે. જેમાં દેશી દારૂના ૧૮૭ કેસોમાં રૂ.૩,૧૫,૮૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. જ્યારે વિદેશી દારૂના ૨૦ કેસોમાં કુલ રૂ.૧,૦૫,૫૩૫નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. ઉપરાંત આ સમયગાળા દરમિયાન પોલીસે શહેર જિલ્લામાં જાહેરમાં જુગારના કુલ ૨૭ બનાવોમાં ૧૫૪ આરોપીઓને રોકડા રૂ.૩.૫૦ લાખ સહિત કુલ રૂ.૫,૧૪,૨૧૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. જિલ્લા પોલીસવડાએ ચાર્જ સંભાળ્યા બાદથી દારૂ અને જુગારના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. પોલીસની કડક કાર્યવાહી છતાં હજુ શહેર-જિલ્લામાં દારૂ-જુગારની પ્રવૃત્તિ ચાલી રહી છે.

દારૂ-જુગારની પ્રવૃત્તિ પર પોલીસ વૉચ રાખી રહી છે : એસપી

દારૂ-જુગારના હાટડા ચલાવતા બુટલેગરો પર પોલીસ દ્વારા વૉચ રાખવામાં આવી રહી છે. દારૂ તથા જુગારની પ્રવૃત્તિ બંધ કરાવવાનો પ્રયાસ પોલીસતંત્ર દ્વારા શરૂ કરાવી દેવાયો છે. ઝડપાયેલા આરોપીઓ ફરી આવી પ્રવૃત્તિ શરૂ કરશે તો તેની સામે ફરી કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ જિલ્લા પોલીસવડા નિતિશ પાંડેયએ જણાવ્યું છે.