Gujarat
જિલ્લામાં 'મહા' ના ખતરા સામે વીજ તંત્ર સજ્જ, ટીમો સ્ટેન્ડ બાય
By GS Team
6 Nov 20191 min read
This article was originally published on 6 Nov 2019

ભાવનગર, તા. 06 નવેમ્બર 2019, બુધવાર
ભાવનગર જિલ્લામાં 'મહા' વાવાઝોડાના સંભવત ખતરા સામે PGVCL તંત્ર સજ્જ બન્યું છે. વાવાઝોડાની કુદરતી આફતમાં વીજ પુરવઠો ખોરવાઈ તો તાત્કાલિક વીજ પુરવઠો શરૂ થાય તેવી કામગીરી કરવા માટે વીજ ટીમોને સ્ટાન્ડ બાય રાખી દેવામાં આવી છે.
મહા વાવાઝોડાની મુસીબત માથેથી થોડી હળવી થઈ છે. તેમ છતાં વાવાઝોડાની કુદરતી આફત ત્રાટકે તો જાન-માલને નુકશાન થવાની દહેશત રહેલી હોવાથી વહીવટી તંત્ર હાઈએલર્ટ પર છે. તેની સાથે PGVCL દ્વારા પણ મહા વાવાઝોડાની આફતને પહોંચી વળવા માટે પૂર્વ આયોજન કરી દેવામાં આવ્યા છે.
ભાવનગર જિલ્લામાં આગામી બે દિવસ મહા વાવાઝોડાનો ખતરો મંડરાયેલો હોવાને કારણે PGVCL દ્વારા તમામ કોન્ટ્રાક્ટરો, વીજ ટીમો સાથે મિટીંગ કરી સ્ટેન્ડ બાય પર રહેવા આદેશ જારી કરાયા છે. આ ઉપરાંત રહેવાની અને ફૂડ પેકેટની વ્યવસ્થા પણ કરી દેવામાં આવી છે. જો વાવાઝોડું ત્રાટકે તો અસરગ્રસ્ત વિસ્તારોમાં લાઈટ ડૂલ થવાની સમસ્યા સર્જાઈ શકે છે, માટે વીજ તંત્ર દ્વારા જરૂરી મેનપાવર અને મટીરિયલ્સ સહિતની તમામ સાધન-સામગ્રી તૈયાર રાખી દેવામાં આવી છે.
વાવાઝોડાને કારણે કોઈ સ્થળે વીજ ઉપકરણોને નુકશાની થશે તો તેવી જગ્યાએ યુધ્ધના ધોરણે કામગીરી કરી ઓછામાં ઓછા સમયમાં વીજ પુરવઠો પૂર્વવત કરવા માટેનું આયોજન કરાયું હોવાનું PGVCLના અધિક્ષક ઈજનેર જે.એમ. રાઠોડે માહિતી આપતા જણાવ્યું હતું.




