Gujarat

સોળ મહિનાના સમયમાં અમદાવાદીઓએ ગંદકી, થૂંકવા બદલ મ્યુનિ.ને ૨૧ કરોડ દંડ આપ્યો

By GS TEAM
13 May 20262 mins read
સોળ મહિનાના સમયમાં અમદાવાદીઓએ ગંદકી, થૂંકવા બદલ મ્યુનિ.ને ૨૧ કરોડ દંડ આપ્યો

અમદાવાદ,બુધવાર,13 મે,2026

અમદાવાદમાં કચરાને ચાર અલગ પ્રકારે સેગ્રીગેટ કરીને આપવાના નિયમને અમલી બનાવાયો છે.જયારે બીજી તરફ ૧ જાન્યુઆરી-૨૫થી ૧૧ મે-૨૬ સુધીના સોળ મહિનાના સમયમાં અમદાવાદના નાગરિકોએ રોડ ઉપર ગંદકી કરવા કે થૂંકવા બદલ કુલ મળીને રુપિયા ૨૧.૭૩ કરોડ દંડ ચૂકવ્યો છે.પ્રતિબંધિત પ્લાસ્ટિકના વપરાશ ઉપર ઘણાં વર્ષોથી પ્રતિબંધ મુકવામા આવેલો છે.આમ છતાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ ચાલુ રાખવામા આવતા ૧૬ મહિનાના સમયમાં ૧૬૭૭ એકમ સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા સીલ કરવામા આવ્યા હતા.

છેલ્લા ઘણાં સમયથી એક નવી પેટર્ન ડેવલપ થઈ છે.આ પેટર્ન મુજબ રસ્તા ઉપર ખાડો  હોય ગંદકી હોય કે પછી પાણી ભરાયેલુ આ બાબતને તરત જ વિડીયો બનાવી સોશિયલ મિડીયામા વાઈરલ કરી તેના ઉપર લાઈક અને કોમેન્ટ મેળવવાની એક પ્રકારની સ્પર્ધા ચાલી રહી છે.કોર્પોરેશન તરફથી શહેરના વિવિધ રોડ ઉપર સફાઈ કરવામા આવ્યા પછી થોડા  સમયમાં જ એજ રોડ ઉપર કચરો ફેંકી ગંદકી કરનારાની સંખ્યા ઓછી નથી. કોર્પોરેશનના સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા રોડ ઉપર  ગંદકી કરવા બદલ  સોળ મહિનામા ૩,૫૪,૩૨૫ નોટિસ આપી રુપિયા ૧૬.૯૫ કરોડની રકમ દંડ પેટે વસૂલ કરવામા આવી હતી. આ દરમિયાન ૨૦૭૨૫ એકમ સીલ કરવામા આવ્યા હતા.પ્રતિબંધિત પ્લાસ્ટિકના વપરાશ બદલ ૧૬૫૨૬૦ નોટિસ આપી કુલ રુપિયા ૪.૭૭ કરોડની રકમ દંડ પેટે વસૂલ કરવામા આવી હતી.૨૨૪૦૨ એકમ સીલ કરી કુલ ૧૦૯૧૩ કિલો પ્લાસ્ટિક જપ્ત કરવામા આવ્યુ હતુ.કોરોના મહામારીના સમયમાં લોકડાઉન સમયે રોડ ઉપર થૂંકવાની આદત લગભગ ભુલાઈ ગઈ હતી.જે હવે ફરી શરુ થઈ ગઈ છે. સોલિડ વેસ્ટ વિભાગે રોડ ઉપર થૂંકવા બદલ ૨૪૨૦૬ લોકો પાસેથી રુપિયા ૨૫૬૧૮૮૪ પેનલ્ટી પેટે વસૂલ કર્યા છે.