Gujarat

નડિયાદ શહેરમાં પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી બાળકોને મારી નાખવાની ધમકી

By GS TEAM
10 Mar 20262 mins read
નડિયાદ શહેરમાં પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી બાળકોને મારી નાખવાની ધમકી

- પ્રેમજાળ, બ્લેકમેલિંગ અને દુષ્કર્મ 

- મરજી વિરૂદ્ધ શરીર સંબંધ બાંધ્યાનો પણ આક્ષેપ, પરિણીતાએ ફરિયાદ નોંધાવતા આરોપીની ધરપકડ

નડિયાદ : નડિયાદ શહેરના જવાહરનગર વિસ્તારમાં રહેતી એક પરિણીતાને એજ વિસ્તારમાં જ રહેતા શખ્સે પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યારબાદ આ શખ્સે પરિણીતા સાથે અવારનવાર બળજબરીથી શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. આ મામલે પરિણીતાએ નડિયાદ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે શખ્સ સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ફરિયાદમાં કરવામાં આવેલા આક્ષેપો મુજબ, નડિયાદના જવાહરનગર વિસ્તારમાં રહેતા વિજયભાઈ ઉર્ફે બિદુ રમેશભાઈ ફાગવાણી નામના શખ્સે આ જ વિસ્તારમાં રહેતી પરિણીતાને વિશ્વાસમાં લીધી હતી. આરોપીએ પરિણીતાને પ્રેમજાળમાં ફસાવીને તેની સાથે પરિચય કેળવ્યો હતો. પ્રાથમિક વિગતો મુજબ, આ સિલસિલો વર્ષ ૨૦૨૨થી ચાલી રહ્યો હતો. આરોપી વિજય ઉર્ફે બિદુએ પરિણીતાને ફોસલાવી અને લલચાવીને પોતાની જાળમાં ફસાવી હતી. ત્યારબાદ તેણે પરિણીતાની મરજી વિરુદ્ધ અવારનવાર બળજબરીથી શરીર સંબંધ બાંધ્યો હતો. પરિણીતા જ્યારે પણ આ બાબતનો વિરોધ કરતી ત્યારે આરોપી તેને ડરાવી ધમકાવીને ચૂપ કરાવી દેતો હતો. આરોપી પરિણીતા સાથે પરાણે સંબંધ રાખવા માટે દબાણ કરતો હતો. જ્યારે પરિણીતાએ આ સંબંધોનો અંત લાવવા પ્રયાસ કર્યોે ત્યારે આરોપીએ ગંભીર ધમકીઓ આપવાનું શરૂ કર્યું હતું. આરોપીએ પરિણીતાને ધમકી આપી હતી કે, 'જો તે તેની સાથે સંબંધ નહીં રાખે તો તે તેના બંને બાળકોને જાનથી મારી નાખશે', તેવો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. 

પોતાના બાળકોના જીવ પર જોખમ હોવાનું અનુભવતા પરિણીતા લાંબા સમય સુધી આ માનસિક અને શારીરિક ત્રાસ સહન કરતી રહી હતી. જોકે સતત મળતી ધમકીઓ અને દુષ્કર્મની ઘટનાઓથી કંટાળીને અંતે પરિણીતાએ પરિવારની મદદથી પોલીસનો સંપર્ક કરવાનું નક્કી કર્યું હતું. આ મામલે નડિયાદ રૂરલ પોલીસ મથકે ગુનો દાખલ કરાતા પોલીસે આરોપી વિજય ઉર્ફે બિદુ વિરૂદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. તેમજ પોલીસે ભોગ બનનારનું નિવેદન નોંધીને ઘટનાસ્થળનું પંચનામું કરવાની તજવીજ હાથ ધરી હતી.