Gujarat

જામનગર શહેરમાં જુદા-જુદા 6 રહેણાંક મકાનમાંથી ચોરી કરવા અંગે તેમજ ત્રણ વાહનોની ઉઠાંતરી કરવા અંગે એક ટાબરિયો પકડાયો

By GS Team
30 Dec 20212 mins read
This article was originally published on 30 Dec 2021
જામનગર શહેરમાં જુદા-જુદા 6 રહેણાંક મકાનમાંથી ચોરી કરવા અંગે તેમજ ત્રણ વાહનોની ઉઠાંતરી કરવા અંગે એક ટાબરિયો પકડાયો

- ચોરીમાં મદદગારી માં અન્ય બે સાગરીતોના નામ ખુલ્યા હોવાથી પોલીસે બન્નેને ફરારી જાહેર કરી શોધખોળ આરંભી

- ટાબરીયા ના પિતાની ચોરીનો મુદ્દામાલ સંગ્રહ કરવા અંગે અટકાયત: રૂપિયા 2.8૦ લાખની માલમતા કબજે કરાઈ

જામનગર તા 29

જામનગર શહેરના ખાસ કરીને સીટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં થોડા દિવસો દરમિયાન થયેલી જુદી જુદી ઘરફોડ ચોરી નો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા સાંપડી છે, અને એક કાયદાથી સંઘર્ષિત કિશોર (ટાબરિયા)ને સિકકા પાટીયા પાસેથી પકડી પાડયો છે. જેણે જામનગર શહેરમાં ૬ ઘરફોડ ચોરી ઉપરાંત અન્ય ત્રણ વાહન ચોરી કરી હોવાની કબુલાત આપી છે. જેમાં અન્ય બે શખ્સોએ મદદગારી કરી હોવાથી તેઓને ફરારી જાહેર કરાયા છે, ઉપરાંત ચોરીનો મુદ્દામાલ સંગ્રહ કરવા માટે ટાબરીયા ના પિતાની અટકાયત કરી લઇ તેની પાસેથી રૂપિયા 2.8૦ લાખનો મુદ્દામાલ કબજે કરી લેવાયો છે.

આ અંગેની વિગતો એવી છે કે જામનગરના સીટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં અડધો ડઝનથી વધુ સ્થળે ઘરફોડ ચોરીના બનાવો બન્યા હતા. ઉપરાંત વાહન ચોરીના કિસ્સા પણ પોલીસ મથકમાં નોંધાયા હતા, જેને લઈને સીટી સી. ડિવિઝનની પોલીસ સતર્ક બની હતી અને જુદા જુદા વિસ્તારના સીસીટીવી કેમેરાઓ ચકાસવાનું શરૂ કર્યું હતું.

દરમિયાન એક કાયદાથી સંઘર્ષિત કિશોર એવા ટાબરીયા ની શંકાસ્પદ હિલચાલ જણાઈ હતી, અને છેક સિકકા પાટીયા સુધી તેનો પીછો કરી અટકાયતમાં લઇ લીધો હતો.

 જેને જામનગર લઈ આવ્યા પછી તેના વાલીની હાજરીમાં પ્રાથમિક પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં તેણે જામનગર શહેરના સીટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના જુદા જુદા વિસ્તારોમાં આવેલા છ રહેણાંક મકાનોમાં ઘરફોડ ચોરી કરી હોવાની કબુલાત આપી હતી. જેમાં તેના અન્ય બે સાથીદારો કે જે મૂળ મહેસાણાના વતની સાતપાલસિંગ કપુરસિંગ તથા મૂળ રાજસ્થાનના વતની અને હાલ સિક્કા વિસ્તારમાં રહેતા રાહુલ ઉર્ફે પંડિતસિંગ બાદલસિંગ બંજારા કે જે બન્નેની મદદથી ચોરી કરવા જામનગર આવ્યા પછી પરત સિક્કા ભાગી જતા હોવાનું અને ત્યાં ચોરાઉ મુદ્દામાલ ની વહેંચણી કરતા હોવાનું કબૂલ્યું હતું.

 જેમાં ટાબરીયા ના ભાગે આવેલી ચોરાઉ સામગ્રી તેના પિતા દિલીપસિંહ રણજીતસિંહ ડાંગી, કે જે ચીખલીકર ગેંગના સભ્ય છે, તેને આપી દીધી હોવાથી પોલીસ દ્વારા તેની અટકાયત કરી લેવામાં આવી છે, અને તેની પાસેથી સોના ચાંદીના ઘરેણાં, બે મોટરસાયકલ, અને એક વેગનાર કાર તથા રોકડ રકમ વગેરે મળી કુલ 2.81.9૦૦ ની ચોરાઉ માલસામગ્રી કબજે કરી લેવામાં આવી છે. ઉપરાંત અન્ય ફરાર આરોપીઓની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.