Gujarat

એક અઠવાડિયામાં રૂા. 20 કરોડનો સટ્ટો રમાડ્યો હતો, રાકેશ પોપટની કબૂલાત

By GS TEAM
3 Mar 20263 mins read
એક અઠવાડિયામાં રૂા. 20 કરોડનો સટ્ટો રમાડ્યો હતો, રાકેશ પોપટની કબૂલાત

- નાણાંકીય વહીવટ આંગડિયા મારફતે હવાલાથી કરતા હતા

- એપ આપનાર, 4 ગ્રાહકોને પણ આરોપી બનાવાયા : 14 વર્ષે રાકેશ પોપટ સટ્ટાના કેસમાં પકડાયો

- સોના-ચાંદી અને શેરને લગતો સટ્ટો રમાડતો હતો

રાજકોટ: સમગ્ર સૌરાષ્ટ્રનાં સટ્ટાબજારમાં મોટુ માથું ગણાતા રાકેશ પોપટની ડો. યાજ્ઞિાક રોડ પર માધવ કોમ્પ્લેક્સમાં આવેલી બે ઓફિસમાં ચાલતા ગેરકાયદે ડબ્બા ટ્રેડિંગ ઉપર ગઇકાલે એસએમસીએ દરોડો પાડતાં અઠવાડિયામાં જ ૨૦ કરોડનાં સોદા કર્યાનો ખુલાસો થયો છે. જેના પરથી જ આ જગ્યાએ કેટલાં મોટાપાયે ડબ્બા ટ્રેડિંગ અને સોના-ચાંદીનો સટ્ટો રમાડાતો હશે તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે.

એસએમસીએ એવું જાહેર કર્યું છે કે, ગઇકાલે તેની ટીમ બહુમાળી ભવન પાસે પહોંચી હતી ત્યારે રાકેશ પોપટ અને મિહિર કલ્યાણી ગેરકાયદે રીતે ડબ્બા ટ્રેડિંગ ચલાવે છે તેવી બાતમી મળી હતી. જેના આધારે બે પંચોને સાથે રાખી માધવ કોમ્પ્લેક્સમાં સ્થિત ઓફિસ નંબર ૧૦૮ અને ૧૦૯માં દરોડો પાડી ત્યાંથી રાકેશ ધીરજલાલ પોપટ (રહે. સારસ્વતી બી-૪૦૧, નિર્મલા રોડ) અને તેના બે માણસો  મુકેશ મીઠાભાઈ વીરડીયા (રહે. નારાયણનગર મેઇન રોડ) અને મહેશ રવજીભાઈ પરમાર (રહે. ચુનારાવાડ શેરી નં.૨/૩)ને ઝડપી લીધા હતાં. ઓફિસમાંથી  પાંચ મોબાઇલ ફોન, કલર પ્રિન્ટર, કોમ્પ્યુટર, રૂા. ૧.૭૨ લાખ રોકડા અને હાઇરાઇડર કાર મળી કુલ રૂા. ૧૮.૩૯ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

એસએમસીની પૂછપરછમાં રાકેશ પોપટે એવી કેફિયત આપી હતી કે, તે છેલ્લા ચારેક માસથી શેરબજારમાં ડબ્બા ટ્રેડિંગનું કામ કરે છે. તેની સાથે તેનો મિત્ર મિહિર મનોજ કલ્યાણી (રહે. જલારામ-૧, યુનિવર્સિટી રોડ) પણ ભાગીદાર છે. જે હાલ બહારગામ ગયો છે.

તે સાથે જ તેણે ગઇ તા. ૨૩ ફેબુ્રઆરીથી તા. ૧ માર્ચ સુધીની સોદાની પ્રિન્ટ કાઢી આપી હતી. આ અઠવાડિયા દરમિયાન આશરે વીસેક કરોડનાં સોદા કર્યા હતાં. તેણે એવી પણ કબૂલાત આપી હતી કે, અગાઉ કરેલા સોદાઓ દર અઠવાડિયે ડિલિટ કરી નાખે છે. જે વિશે તેને હવે કાંઇ યાદ નથી.

ડબ્બા ટ્રેડિંગથી થતી લેવડ-દેવડનો દર અઠવાડિયે હિસાબ કરી નાખે છે. ગ્રાહકો એટલે કે પંટરો પાસેથી નાણાં તેનાં બેંક એકાઉન્ટમાં જમા થાય છે. આ ઉપરાંત આંગડિયા પેઢી મારફત હવાલાથી પણ મેળવે છે. જે સમગ્ર વહીવટ તેનો ભાગીદાર મિહિર કલ્યાણી કરે છે.

એટલું જ નહીં મિહિર કલ્યાણી જ મેટા ટ્રેડર ડ્રાઇવ નામની એપ મારફતે પોતાનાં મોબાઇલમાં શેર અને સોના-ચાંદીનાં સોદા લે છે. તે જ અલગ-અલગ આંગડિયા પેઢીઓ મારફતે પૈસાથી લેતી-દેતી કરે છે. મેટા ટ્રેડર ડ્રાઇવ એપ્લીકેશન હિતેન રવિભાઈ ખાચરે આપી છે. જે તેના મોબાઇલમાં પણ છે. તેના વિરૂધ્ધ છેલ્લે ૨૦૧૨માં ડબ્બા ટ્રેડિંગનો કેસ રાજકોટ પોલીસે કર્યો હતો. એસએમસીએ હિતેન ઉપરાંત સટ્ટો રમનાર કમલેશ, અશોક, નટુકાકા અને જયદીપ મળી કુલ નવ જણાને આરોપી બનાવ્યા છે. એસએમસીએ તમામ આરોપીઓ વિરૂધ્ધ બીએનએસની જુદી-જુદી કલમો ઉપરાંત આઇટી હેઠળ ગુનો નોંધ્યો છે. 

- માલવિયાનગર પોલીસને તપાસ સોંપવાનો હુકમ કરાયો

રાજકોટ: ડબ્બા ટ્રેડિંગના આ હાઇપ્રોફાઇલ કેસની તપાસ માલવિયાનગર પોલીસને સોંપી દેવાઇ છે.  પ્ર.નગર પોલીસમાં ગુનો દાખલ થયો હતો. પરંતુ તેની હદમાંથી જ આ રેકેટ પકડાયું હોવાથી સ્વાભાવિક રીતે જ તેના સ્ટાફને તપાસ સોંપી ન શકાય. આ જ કારણથી માલવિયાનગર પોલીસને તપાસ સોંપાઇ છે.