Gujarat

મેદસ્વીતા ઘટાડવા માટે ગેરકાયદે વેચાતા ઇન્જેક્શનો

By GS TEAM
21 Apr 20262 mins read
મેદસ્વીતા  ઘટાડવા માટે ગેરકાયદે વેચાતા ઇન્જેક્શનો

 વડોદરા,વડોદરાની  ફૂડ એન્ડ ડ્રગ્સ કચેરી દ્વારા જોખમી દવાના ગેરકાયદે વેપારના ઓનલાઇન રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ રેકેટમાં સંડોવાયેલા  મેડિકલ સ્ટોરનું લાયસન્સ કાયમી ધોરણે રદ્દ કરવામાં આવ્યું છે. જ્યારે આ અંગે કોર્ટમાં કેસ કરવાની કાર્યવાહી ચાલુ છે. 

ઓનલાઇન  પ્લેટફોર્મ પર દવાના ગેરકાયદે થતા વેચાણ પર ફૂડ એન્ડ ડ્રગ્સ કચેરી દ્વારા તપાસ કરવામાં આવી હતી. તે દરમિયાન જાણવા મળ્યું હતું કે, દિવાળીપુરા વિસ્તારમાં આવેલી  હેક્સપ્રેસ હેલ્થકેર કન્ઝ્યુમર પ્રા.લિ. કંપનીનું નામ આવ્યું હતું. કચેરીના સ્ટાફ દ્વારા જ ડમી ગ્રાહક બનીને વજન ઘટાડવા માટેની દવાનો  ઓનલાઇન ઓર્ડર પ્લેસ કર્યો હતો. ત્યારબાદ એક ડોક્ટરનો કોલ આવ્યો હતો. ડોક્ટરે કેટલાક પ્રશ્નો પૂછ્યા હતા. ત્યારબાદ ઇન્જેક્શન  મોકલી આપવામાં આવ્યા હતા. આ ઇન્જેક્શન  પ્રકરણમાં સારાભાઇ કંપની મેન રોડ પર  આવેલા મેડિકલ સ્ટોર મેડિકામેન્ટ સોલ્યુશન  પ્રા.લિ. નું નામ પ્રકાશમાં આવતા ત્યાં પણ તપાસ કરવામાં આવી હતી. આ સાથે જે ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન મોકલવામાં આવ્યું હતું. તે યોગ્ય નહતું.   ડિસેમ્બર - ૨૦૨૫ માં તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાંં આવી હતી. મદદનીશ કમિશનર એ.એચ. ઝાલાએ  જણાવ્યું છે કે,   મેડિકલ સ્ટોરનું લાયસન્સ કાયમી ધોરણે રદ્દ કરવામાં આવ્યું છે. જે ઇન્જેક્શન વજન ઘટાડવા માટે આપવામાં આવતા હતા.તે  ખરેખર ડાયાબિટીસના છે. આ ઇન્જેક્શનનો ડોક્ટરની  દેખરેખ વિના આડેધડ ઉપયોગ કરવો  અત્યંત જોખમી છે. તેનાથી કિડની, પિત્તાશય અને સ્વાદુપિંડને ગંભીર નુકસાન પહોંચી શકે છે. આ દવાનો વધુ પડતો ડોઝ લેવો જીવલેણ પણ  સાબિત થઈ શકે છે. આ એજન્સીએ છેલ્લા ૧ વર્ષમાં અંદાજે ૩ હજાર ઇન્જેક્શન લોકોને વેચ્યા છે.