Gujarat

પરથમપુરા પાસે મહી નદીમાં બોટ દ્વારા રેતીનું ગેરકાયદે ખનન રૃા.૧.૮૦ કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો

By GS TEAM
18 Nov 20251 min read
પરથમપુરા પાસે મહી નદીમાં બોટ દ્વારા રેતીનું ગેરકાયદે ખનન રૃા.૧.૮૦ કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો

વડોદરા, તા.18 સાવલી તાલુકામાં મહી નદીમાં ગેરકાયદે રેતીખનન ઝડપી પાડી તંત્રએ બે યાંત્રિક બોટ કબજે કરી હતી જ્યારે ડભોઇ અને કરજણમાં પણ રેતીનું ગેરકાયદે વહન કરતા પાંચ ડમ્પરોને પકડયા હતાં.

આ અંગેની વિગત એવી છે કે સાવલી તાલુકાના પરથમપુરા ગામ પાસેથી પસાર થતી મહી નદીમાં ગેરકાયદે રેતીખનન થાય છે તેવી માહિતીના આધારે જિલ્લાના ખાણખનિજખાતાના સ્ટાફે દરોડો પાડતા નદીમાં બે યાંત્રિક બોટ દ્વારા નદીમાંથી રેતી ઉલેચાતી હોવાનું જણાયું હતું. આ રેતીનું ગેરકાયદે ખનન થતું હોવાનું જણાતા તંત્ર દ્વારા બે યાંત્રિક બોટ કબજે કરી દંડની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ ઉપરાંત ગઇ રાત્રે ડભોઇ અને કરજણ તાલુકામાં વ્યાપક ચેકિંગ હાથ ધરાયું હતું. ડભોઇ તાલુકામાંથી રેતી ભરેલા બે ડમ્પરો કબજે કરાયા હતાં. ડમ્પરોના ચાલકો પાસે રોયલ્ટીપાસ નહી  હોવાથી તેઓ ગેરકાયદે રેતીખનન કરીને આવ્યા હોવાનું જણાતા બંને ડમ્પરો કબજે કરવામાં આવ્યા  હતાં. જ્યારે કરજણ તાલુકામાં પણ તપાસ હાથ ધરતા ત્રણ ડમ્પરો રોયલ્ટીપાસ વગર રેતીનું વહન કરતા હોવાનું જણાયું હતું. આ ત્રણે ડમ્પરો પણ કબજે કરાયા હતાં.

સૂત્રોએ જણાવ્યું  હતું કે કુલ રૃા.૧.૮૦ કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ડમ્પરો ક્યાંથી ગેરકાયદે રેતી ઉલેચીને લાવ્યા તે દિશામાં તપાસ બાદ દંડની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.