Gujarat

મહી નદીમાં ગેરકાયદે ખનન પર ફ્લાઇંગ સ્કવોડના દરોડા

By GS TEAM
16 Jun 20261 min read
મહી નદીમાં ગેરકાયદે ખનન પર ફ્લાઇંગ સ્કવોડના દરોડા

સાવલી તા.૧૬ સાવલી તાલુકાના પોઇચા કનોડા મહી નદીના પટમાં ચાલતા ગેરકાયદે ખનન પર સ્થાનિક તંત્રને અંધારામાં રાખીને ગાંધીનગરના ફ્લાઇંગ સ્કવોડે દરોડો પાડી આશરે સવા કરોડ રૃપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. 

સાવલી તાલુકામાં બેફામ રેતી ખનન ચાલી રહ્યું છે અને તંત્રની મહેરબાનીથી સરકારની તિજોરીને કરોડો રૃપિયાનો ચૂનો લાગી રહ્યો છે પરંતુ સ્થાનિક ખાણ ખનીજ વિભાગ કુંભકર્ણની નિંદ્રામાં પોઢી રહ્યું છે. આજે ફરીથી પોઇચા કનોડા ગામે ફ્લાઈંગ સ્કવોડે દરોડો પાડવાની ફરજ પડી હતી.  

મહી નદીના પટમાં દરોડો પાડી સ્કવોડ દ્વારા એક હિટાચી, એક ડમ્પર તેમજ એક  બ્રેકર મશિન કબજે કરવામાં આવ્યું છે. આ ઉપરાંત નજીકમાંથી બ્લેક ટ્રેપ તેમજ રેતીનો પણ મોટો સ્ટોક મળતાં તેની ગણતરી કરી તે અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સમગ્ર મુદ્દામાલ ખાનગી જગ્યામાં રાખી આગળની તપાસ હાથ ધરાઇ હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક માહિતી મુજબ મહી નદીમાં મહી વીયર ડેમના કામ દરમિયાન ગેરકાયદે ખનન થતું હોવાની માહિતીના પગલે દરોડા પાડવામાં આવ્યા છે. અધિકારી ઓએ હાલ કઈ પણ બોલવાનો ઇનકાર કર્યો છે.