Gujarat

ઇડરના પાવાપુરી જલમંદિરના બે જૈન સાધુ સામે વ્યભિચારની ફરિયાદ

By GS Team
24 Jun 20202 mins read
This article was originally published on 24 Jun 2020
ઇડરના પાવાપુરી જલમંદિરના બે જૈન સાધુ સામે વ્યભિચારની ફરિયાદ

- બંને સાધુઓની સામે આક્ષેપોની પોલીસે તપાસ આદરી

ઈડર, તા. 24 જૂન 2020, બુધવાર

ઈડરના પાવાપુરી જલ મંદિરના બે જૈન સાધુ સામે અનુયાયી મહિલાઓને તંત્ર-મંત્રના નામે ડરાવી ધમકાવી દુષ્કૃત્યો આચર્યા હોવાના આક્ષેપ સાથેની એક ફરિયાદ સોમવારે રાત્રે ઈડર પોલીસ મથકમાં નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. આ ફરિયાદ બાદ પોલીસે બંને સાધુઓને નજર કેદ જેવી સ્થિતિમાં રાખી વિવિધ આક્ષેપો અંગેની ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.

ઈડરના પાવાપુરી જલ મંદિરના ટ્રસ્ટી ડૉ. આશિત પ્રફુલચંદ્ર દોશીએ જૈન સાધુ (૧) રાજા સાહેબ રાજતિલક સાગરજી (રાજા મહારાજ) તથા (૨) મહારાજ સાહેબ કલ્યાણ સાગરજી સામે વિવિધ આક્ષેપો સાથે નોંધાવેલ ફરિયાદ મુજબ, ટ્રસ્ટી મંડળને ઉપરોક્ત બંને સાધુઓ સામે છેલ્લા એકાદ વર્ષથી વ્યાભીચાર આચરતા હોવાની તેમજ મહિલા અનુયાયીઓને ખરાબ નજરે જોઈ તેમનું શારીરિક તથા માનસિક શોષણ કરતા હોવાની મૌખિક ફરિયાદો મળી હતી.

 ઉપરાંત આ બંને સાધુ ધર્મના નૈતિક મૂલ્યોનું ઉલ્લંઘન કરી સાંસારિક પ્રકારની જીવનચર્ચા મુજબ વર્તતા હોવાની જાણકારી મળી હતી. વધુમાં ફરિયાદમાં આક્ષેપ કરાયો છે કે, આ બંને સાધુ જૈન ધર્મના ઓથા તળે અનુયાયી મહિલાઓને મંત્ર-તંત્ર તથા મેલી વિદ્યાથી ડરાવી-ધમકાવી દુષ્કૃત્યો આચરતા હતા. આ બધી વાતો જૈન સમાજમાં ફેલાતાં જૈન ધર્મના મૂલ્યોને ઠેસ પહોંચી હતી. જેથી ટ્રસ્ટી મંડળે ભેગા થઈ જે તે વખતે બંને સાધુઓને ઠપકો કરેલો જેના જવાબમાં સાધુઓએ અમે કોઈ મહિલાનું શોષણ કર્યું નથી તેમ જણાવ્યું હતું.

દરમિયાન ગત તા. ૩ જાન્યુઆરીના રોજ સુરતની એક પરિણીત અનુયાયી મહિલા તથા તેના પતિએ ટ્રસ્ટી મંડળને લેખિત ફરિયાદ આપી હતી. જેમાં આ બંને સાધુએ મહિલાનું શારીરિક શોષણ કર્યું હોવાનો આક્ષેપ કર્યો હતો, સાથે જ આ આક્ષેપના સમર્થનમાં વીડિયો અને ફોટા પણ ટ્રસ્ટીઓને આપ્યા હતાં. ત્યારબાદ જલ મંદિરના ટ્રસ્ટી ડૉ. આશિત દોશીએ મંદિર જેવી પવિત્ર જગ્યાને અપવિત્ર કરી સંસ્થાને લાંછન લગાડવાના આક્ષેપ સહિત વિવિધ આક્ષેપો સાથેની ફરિયાદ સોમવારે રાત્રે ઈડર પોલીસ મથકમાં નોંધાવી હતી. આ ફરિયાદ બાદ પોલીસે સાધુઓની પૂછતાછ સહિત સુરત જઈ મહિલાનું નિવેદન નોંધવા તજવીજ આરંભી છે.