Get The App

વેલેન્ટાઈન ડેએ ઉચ્ચ અધિકારી પત્નીનો પીછો કરવા પતિએ જાસૂસ મોકલ્યો!

Updated: Feb 14th, 2026

GS TEAM

Google News
Google News
વેલેન્ટાઈન ડેએ ઉચ્ચ અધિકારી પત્નીનો પીછો કરવા પતિએ જાસૂસ મોકલ્યો! 1 - image

લગ્ન બાદ મનમેળ ન આવતા છૂટાછેડાનો કેસ ચાલે છે ત્યારે

બહેનપણીના ઘરે રહેતી મહિલાએ જાસૂસને પકડી ફોન તપાસતા પતિનો મેસેજ મળ્યો ઃ ગુનો દાખલ કરાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં બહેનપણીના ઘરે રહેતી ઉચ્ચ અધિકારી મહિલાની જાસુસી માટે પતિએ જાસૂસ મોકલ્યો હોવાની ઘટના બહાર આવી છે. દંપતિ વચ્ચે મનમેળ ન આવતા હાલ છુટાછેડાનો કેસ ચાલી રહ્યો છે ત્યારે આજે વેલેન્ટાઈન દિવસે મહિલાના ઘર બહાર કાર લઈને આવેલો જાસૂસ પકડાયો હતો. આખરે આ મામલે પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

આ ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે હાલ ગાંધીનગરમાં રહેતા એક ઉચ્ચ મહિલા અધિકારીના લગ્ન ઉત્તર ગુજરાતમાં રહેતા યુવાન સાથે થયા હતા અને લગ્નજીવન બાદ દંપતિ વચ્ચે મનમેળ ન આવતા મહિલા છેલ્લા એક વર્ષથી અલગ બહેનપણીના ઘરે રહે છે. હાલ ગાંધીનગર કોર્ટમાં છૂટાછેડાનો કેસ પણ દાખલ કરવામાં આવેલો છે ત્યારે આ મહિલાને કેસ પાછો ખેંચી લેવા માટે દબાણ કરવા તેમજ તેમની હિલચાલ ઉપર નજર રાખવા માટે પતિએ જાસૂસ રોક્યો હતો અને આજે સવારના સમયે આ મહિલા ઘરે હાજર હતા તે દરમિયાન તેમની જાસુસી કરવા માટે આવેલો આ જાસૂસ ઘર પાસેથી જ પકડાયો હતો. જ્યારે નંબર વગરની કારમાં એક શખ્સ ફરાર થઈ ગયો હતો. જેના પગલે મહિલાએ તુરંત જ આ જાસુસનો ફોન ચેક કરતા તેમાં તેમના પતિએ કરેલા મેસેજ પણ મળી આવ્યા હતા. એટલું જ નહીં આ શખ્સની પૂછપરછ કરતા તેમના પતિએ જ તેમનો પીછો કરવા માટે તેને મોકલ્યો હોવાની જાણ કરી હતી. જેથી તેમણે તુરંત જ પોલીસને જાણ કરી હતી અને પોલીસ તેમના ઘરે પહોંચી હતી ત્યારબાદ તેમની ફરિયાદના આધારે આ જાસુસ અને તેમના પતિ સામે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.