કેશોદ તાલુકાના પાડોદર ગામનો કરૂણ બનાવ : કૂવામાં પાણી વધુ હોવાથી વૃધ્ધ પત્ની કે પોતાને ન બચાવી શક્યા : દંપતીનાં મોતથી ગામમાં ગમગીની
જૂનાગઢ, : કેશોદ તાલુકાના પાડોદરની સીમમાં માનસિક બીમાર વૃધ્ધા કુવામાં પડી જતા તેના વૃધ્ધ પતિ બચાવવા માટે કુવામાં પડયા હતા પરંતુ કુવામાં પાણી વધુ હોવાથી વૃધ્ધ ન તો પત્નીને બચાવી શક્યા કે ન પોતે બચી શક્યા હતા. આ વૃધ્ધ દંપતિનું ડૂબી જવાથી મોત થયુ હતું. આ બનાવથી ગમગીની વ્યાપી ગઈ હતી. આ અંગે કેશોદ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ કેશોદ તાલુકાના પાડોદરની સીમમાં રહેતા નાથીબેન મેણસીભાઈ ડેર (ઉ.વ. 73) ઘણા સમયથી માનસિક બીમાર હતા તેની દવા ચાલી રહી હતી. ગઈકાલે બપોરે નાથીબેન અને તેના પતિ મેણસીભાઈ રાજાભાઈ ડેર (ઉ.વ. 77) વાડીએ હતા ત્યારે નાથીબેન ઘર પાસે આવેલા કુવામાં પડી ગયા હતા. આ અંગે જાણ થતાં મેણસીભાઈ પત્ની નાથીબેનને બચાવવા માટે કુવામાં પડયા હતા. કુવામાં પાણી વધુ હોવાથી નાથીબેન અને તેના પતિ મેણસીભાઈ ડૂબી ગયા હતા. આમ, માનસિક બીમાર પત્નીને બચાવવા ગયેલા વૃધ્ધ ઉંડા કુવામાંથી પત્નીને બચાવી શક્યા ન હતા કે ન તો પોતે બચી શક્યા હતા. આ અંગે જાણ થતાં કેશોદ પોલીસનો સ્ટાફ પહોચ્યો હતો. બંને મૃતદેહને પી.એમ.માં ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગે કેશોદ એ.એસ.આઈ.ડી.ટી. ગીયડે જણાવ્યું હતું કે માનસિક બીમાર નાથીબેન કુવામાં પડી જતા તેઓને બચાવવા જતા તેના પતિ મેણસીભાઈ પણ કુવામાં પડયા હતા અને કુવો ભરેલો હોવાથી બંને ડૂબી ગયા હતા. હાલ આ અંગે વધુ તપાસ ચાલી રહી છે.


