વડોદરામાં ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલને ભીની આંખે વિદાય, અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara MLA Yogesh Patel Tribute: વડોદરાના માંજલપુર વિસ્તારના ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું મંગળવારે (બીજી જૂન) નિધન થયું હતું. ત્યારે આજે (ચોથી જૂન) વડોદરા શહેરમાં ભાવભીની વિદાય સાથે તેમની અંતિમયાત્રા નીકળી હતી. જનસેવાને પોતાનો જીવનધર્મ બનાવનારા નેતાના અંતિમ દર્શન કરવા અને શ્રદ્ધાંજલિ આપવા માટે મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા.

ધારાસભ્ય યોગેશ પટેલના પાર્થિવ દેહને વડોદરાના અમદાવાદી પોળ સ્થિત તેમના નિવાસસ્થાને અંતિમ દર્શન માટે મૂકવામાં આવ્યો હતો. તેમના અંતિમ દર્શન દરમિયાન રાજ્યના અનેક ધાર્મિક, સામાજિક અને રાજકીય આગેવાનોએ હાજરી આપી હતી. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને શોકગ્રસ્ત પરિવારને સાંત્વના પાઠવી હતી. આ દરમિયાન ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સહિતના અગ્રણી નેતાઓએ પણ પાર્થિવ દેહના દર્શન કરી શ્રદ્ધાસુમન અર્પિત કર્યા હતા.

અંતિમ દર્શન પૂર્ણ થયા બાદ તેમના નિવાસસ્થાનેથી અશ્રુભીના માહોલમાં અંતિમયાત્રાની શરૂઆત થઈ હતી. આ અંતિમયાત્રા અમદાવાદી પોળથી શરૂ થઈને રાવપુરા ચાર રસ્તા, કોઠી ચાર રસ્તા, ઉદયનારાયણ મંદિર (સયાજી હોસ્પિટલ) માર્ગે થઈને કારેલીબાગ સ્થિત ખાસવાડી સ્મશાનગૃહ તરફ આગળ વધી હતી. માર્ગ પર ઠેરઠેર નાગરિકો અને સ્થાનિક વેપારીઓએ પુષ્પવર્ષા કરી પોતાના લોકપ્રિય નેતાને અંતિમ વિદાય આપી હતી. અંતિમયાત્રા ખાસવાડી સ્મશાનગૃહ પહોંચી રહી હતી, જ્યાં ધાર્મિક વિધિ વિધાન સાથે તેમના પાર્થિવ દેહને અગ્નિદાહ આપવામાં આવશે.









