Gujarat

એ.એસ.આઇ. સામે ભારે રોષ ઃ એટ્રોસિટીનો ગુનો દાખલ કરવા માગણી

By GS TEAM
15 May 20261 min read
એ.એસ.આઇ. સામે ભારે રોષ ઃ એટ્રોસિટીનો ગુનો દાખલ કરવા માગણી

વડોદરા,બાપોદ  પોલીસ સ્ટેશનની હદમાં આવેલા મકાન પર ગેરકાયદે કબજો કરવાની કોશિશના બનાવ અંગે રજૂઆત કરવા પોલીસ સ્ટેશન ગયેલા લોકો સાથે એ.એસ.આઇ. દ્વારા બોલાચાલી કરી જાતિ અપમાનિત શબ્દો કહેવામાં આવ્યા હતા. જેના પગલે લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. જમાદાર સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરવાની માગણી સાથે ટોળાઓ પોલીસ સ્ટેશનમાં પહોંચી ગયા હતા.

મળતી માહિતી મુજબ, એક મકાનના ગેરકાયદે કબજો લેવાની કોશિશ અંગે નટુભાઇ નામની વ્યક્તિએ બાપોદ પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. જે અંગે રજૂઆત કરવા માટે આજે મોટી સંખ્યામાં લોકો બાપોદ પોલીસ સ્ટેશન  પહોંચી ગયા હતા. તે દરમિયાન બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એ.એસ.આઇ. નિપુલ કહાર દ્વારા લોકો સાથે બોલાચાલી કરી જાતિ અપમાનિત શબ્દો કહેવામાં આવતા મામલો વધુ ઉગ્ર બન્યો હતો. પોલીસ સ્ટેશનનો સ્ટાફ મધ્યસ્થી કરી મામલો થાળે  પાડવાની  કોશિશ કરી રહ્યો હતો. કાયમ શર્ટના બટન ખુલ્લા રાખીને પોલીસ સ્ટેશનમાં નોકરી કરતા નિપુલ કહાર સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધવા તેમજ જમાદાર માફી માગે તેવી  ઉગ્ર માગણી લોકોએ કરી હતી. 

બાપોદ પોલીસ સ્ટેશનના પી.આઇ.ડી.ડી. લાડુમારે જણાવ્યું છે કે, ફરિયાદ આપવી કે નહીં તે અંગે તેઓ અંદરો અંદર ચર્ચા કરી રહ્યા છે. તેઓએ જમાદાર નિપુલ કહાર સામે આપેલી અરજીમાં હજી કોઇ ગુનો દાખલ થયો નથી. ઉલ્લેખનીય છે કે, નિપુલ કહાર સામે અગાઉ  પણ  આક્ષેપો થયા છે.