Gujarat

કોમનવેલ્થ-૨૦૩૦ ના યજમાન અમદાવાદમાં પાંચ વર્ષમાં ૪૧૦થી વધુ ભુવા રીપેર કરવા ૨૬ કરોડ ખર્ચ

By GS TEAM
16 Mar 20262 mins read
કોમનવેલ્થ-૨૦૩૦ ના યજમાન અમદાવાદમાં પાંચ વર્ષમાં ૪૧૦થી વધુ ભુવા રીપેર કરવા ૨૬ કરોડ ખર્ચ

અમદાવાદ,સોમવાર,16 માર્ચ,2026

અમદાવાદ વર્ષ-૨૦૩૦ની કોમનવેલ્થ ગેમ્સનુ યજમાન શહેર છે.એક તરફ આવનારા ચાર વર્ષમાં કોમનવેલ્થ ગેમ્સ પહેલા બે હજાર કરોડથી પણ વધુની રકમના ખર્ચથી માળખાગત સુવિધાઓ વિકસાવાના આયોજન તંત્ર કરે છે.પરંતુ નબળી ડ્રેનેજ લાઈન જેવી માળખાગત સુવિધાના કારણે પાંચ વર્ષમાં વિવિધ વિસ્તારમાં ૪૧૦થી વધુ નાના-મોટા ભુવા રીપેર કરવા રુપિયા ૨૬ કરોડથી પણ વધુની રકમનું આંધણ કોર્પોરેશને કર્યુ છે.ટેકનોસેવી બન્યાની ગુલબાંગ છતાં હાટકેશ્વરમાં પડેલા ભુવાના સમારકામ પાછળ રુપિયા ૫૭ લાખનો ખર્ચ કરવો પડયો હતો.

શહેરમાં છેલ્લા પંદરથી પણ વધુ વર્ષથી ભાજપ દ્વારા કે પછી મ્યુનિસિપલ કમિશનર દ્વારા દર વર્ષે રજુ કરવામા આવતા ડ્રાફટ અંદાજપત્રમાં પચાસથી પણ વધુ વર્ષથી આવેલી પાણી અને ડ્રેનેજની લાઈનો બદલી નવી લાઈન નાંખવા કરોડો રુપિયાના આયોજનની જાહેરાત થતી આવી છે. પરંતુ આ પ્રકારે કરવામા આવતી જાહેરાતોનો એક પણ ઝોનમાં  પુરો અમલ કરી શકવામા કોર્પોરેશનનુ ઈજનેર અને ડ્રેનેજ પ્રોજેકટ વિભાગ સફળ થઈ શકયુ નથી.તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારસને કોટ વિસ્તાર સહિતના મધ્યઝોનના છ વોર્ડમાં વર્ષો જુની પાણી અને ડ્રેનેજની લાઈનો બદલવા રુપિયા ૩૦૦ કરોડથી વધુની રકમના પેકેજની જાહેરાત કરી હતી.ત્રણ વર્ષ પછી મધ્યઝોનમાં પાણી અને ડ્રેનેજની વર્ષો જુની કયાં અને કેટલી લાઈન બદલી નવી નાંખવામા આવી તેની કોઈ ચોકકસ વિગતનો અભાવ છે.દરિયાપુરના કોર્પોરેટર નીરવ બક્ષીએ શહેરના  ૪૮ વોર્ડમાં પડેલા ભુવા અને તેના સમારકામ પાછળ થયેલ ખર્ચની વિગત માંગી હતી. મધ્યઝોન દ્વારા વિગત ઉપર ઢાંકપિછોડો કરાયો છે.જયારે  દક્ષિણ-પશ્ચિમ ઝોન દ્વારા ભુવાની માત્ર સંખ્યા આપીને તેના સમારકામ પાછળ કરાયેલ ખર્ચની વિગત આપવાનુ  જ ટાળી  દેવામા આવ્યુ છે.

કયા વિસ્તારમાં કેટલા લાખ ખર્ચ કરાયો

વિસ્તાર         ખર્ચ(લાખમાં)

ખોખરા           ૨૮.૩૦

ખોખરા          ૨૪.૦૦

ઈન્દ્રપુરી         ૩૫.૦૦

ઈન્દ્રપુરી         ૧૪.૦૦

ખોખરા            ૨૮.૦૦

ખોખરા           ૨૭.૧૦

વટવા          ૨૨.૦૦

વટવા          ૧૨.૦૦

માનસી સર્કલ   ૧૭.૫૧

એસ.જી.હાઈવે  ૧૯.૧૫

વાળીનાથ ચોક ૭.૦૮

હેલમેટ સર્કલ   ૬.૦૦

સોલાબ્રિજ પાસે ૧૫.૧૨

એસ.જી.હાઈવે  ૧૭.૦૦

કલાસાગર પાસે ૧૮.૦૦

હાટકેશ્વર,દક્ષિણી,કારગીલ પેટ્રોલપમ્પ પાસે તથા નવા વાડજના ભુવા રીપેર કરવા ભુવા દીઠ ૫૦ લાખ આસપાસ ખર્ચ

વર્ષ-૨૦૨૪-૨૫માં હાટકેશ્વર વિસ્તારમાં  મશીનહોલ ઉપર ભુવો પડતા રુપિયા ૫૭ લાખનો ખર્ચ રીપેરીંગ પાછળ કરાયો હતો. ખોખરા વોર્ડમાં દક્ષિણી સોસાયટી વિસ્તારમાં શ્રીપાદવાડી આવેલી છે. આ સ્થળે મશીનહોલ ઉપર ભુવો પડતા રુપિયા ૪૪ લાખનો ખર્ચ રીપેરીંગ કરવા પાછળ કરવામા આવ્યો હતો.કારગીલ પેટ્રોલપમ્પ પાસે પડેલા ભુવાના સમારકામ પાછળ રુપિયા ૪૦ લાખનો ખર્ચ કરવામા આવ્યો હતો. જયારે નવાવાડજ વોર્ડમાં સુપથ કોમ્પલેકસ પાસે પડેલા ભુવાના સમારકામ પાછળ રુપિયા ૩૨.૪૬ લાખનો ખર્ચ કરવામા આવ્યો હતો.

ઝોન દીઠ ભુવા -ખર્ચ

ઝોન    ભુવા    ખર્ચ(કરોડમાં)

પશ્ચિમ  ૧૪૭   ૧૩.૫૪

ઉ.પ.   ૭૭     ૩.૦૬

દક્ષિણ  ૭૮     ૪.૨૮

ઉત્તર   ૨૨     ૫૨.૯૦(લાખ)

દ.પ.   ૪૮     અપ્રાપ્ય

પૂર્વ    ૩૮     ૧.૩૫

મધ્ય   અપ્રાપ્ય અપ્રાપ્ય