બિહામણું ચિત્ર : મોબાઇલનું વળગણ છોડાવવા ગુજરાતના 800થી વધુ બાળકોએ સારવાર લેવી પડી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat Mobile Addiction Children : વર્તમાન ડિજિટલ યુગમાં સ્માર્ટફોન અને સોશિયલ મીડિયાનો વ્યાપ અત્યંત ઝડપથી વધી રહ્યો છે, પરંતુ તેની સાથે બાળકોમાં મોબાઇલનું વળગણ એક ચિંતાજનક અને ભયાનક સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં મોબાઇલની લત છોડાવવા માટે 800 થી વધુ બાળકોને સરકારી માનસિક આરોગ્ય હોસ્પિટલના ડિજિટલ ડિટોક્સ સેન્ટરમાં સારવાર લેવી પડી છે. આ ગંભીર સમસ્યાના કારણે બાળકોમાં માનસિક તણાવ વધી રહ્યો છે અને આત્મહત્યા જેવા હૃદયદ્રાવક બનાવો પણ સામે આવી રહ્યા છે.
સુરતમાં ધોરણ-5 ની વિદ્યાર્થીનીનું અંતિમ પગલું
સુરતના વરાછા વિસ્તારમાં ધોરણ-5 માં અભ્યાસ કરતી 11 વર્ષીય કિશોરીએ માતા દ્વારા ફોન ન આપવા બાબતે ઘરે ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું હતું. આ દુર્ઘટનામાં ખાસ નોંધવા જેવી બાબત એ છે કે મૃતક બાળકીના માતા ખુદ સિવિલ હોસ્પિટલના ડિજિટલ ડિટોક્સ યુનિટમાં કામ કરે છે. આ ઉપરાંત, અન્ય એક ઘટનામાં સુરતમાં જ 13 વર્ષના બાળકે રાત્રિભોજન સમયે માતાએ ગેમ બંધ કરવાનું કહેતા આત્મહત્યા કરી લીધી હતી. જ્યારે છત્રપતિ સંભાજીનગરમાં આઈફોન બાબતે વિવાદ થતાં 18 વર્ષના કિશોરે પણ આત્યંતિક પગલું ભર્યું હતું.

ડિજિટલ ડિટોક્સ સેન્ટર અને હેલપલાઇનનાં ચોંકાવનારા આંકડા
અમદાવાદની સરકારી માનસિક આરોગ્ય હોસ્પિટલમાં શરૂ કરાયેલા ડિજિટલ ડિટોક્સ સેન્ટરની ઓપીડીમાં આ વર્ષે માત્ર 8 મહિનામાં જ 188 બાળકો નોંધાઈ ચૂક્યા છે. આ સેન્ટરમાં દર મહિને સરેરાશ 25 બાળકો મોબાઇલનું વળગણ છોડાવવા માટે સારવાર મેળવવા આવે છે. બીજી તરફ, ગુજરાતમાં છેલ્લા 6 મહિનામાં 181 અભયમને કુલ 3,705 જેટલા ફોન કોલ્સ મળ્યા છે. જેમાંથી 16 વર્ષની વયના બાળકોના પેરેન્ટિંગ ઇશ્યુના 110 કેસો નોંધાયા છે.
તજજ્ઞોની સલાહ અને પરિવારની ભૂમિકા
સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડૉ. અજય ચૌહાણ અને મનોચિકિત્સક ડૉ. દિપ્તી ભટ્ટે જણાવ્યું હતુ કે મોબાઇલનો અતિશય ઉપયોગ એ સીધી લત કે વ્યસન સમાન છે. બાળકોને માત્ર કડક નિયમો કે સજાથી આ લતથી દૂર કરી શકાતા નથી. માતા-પિતાએ બાળક સાથે બેસીને વાત્સલ્યપૂર્વક વાત કરવી, તેની મુશ્કેલીઓ સમજવી અને પરિવાર સાથે ગુણવત્તાસભર સમય વધારવો એ જ આ સમસ્યાનો સૌથી મોટો અને અસરકારક ઉપાય છે.




