આહિર ચોક સર્કલ પાસે ઈલેકટ્રિકની દુકાનમાં બનેલી ઘટના : લોહીલુહાણ વેપારીને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો : 2 રિકવરી એજન્ટો સામે ગુનો
રાજકોટ, : લોનના ચડત હપ્તા વસૂલવા માટે બે રિકવરી એજન્ટોએ ગુંડાગીરી કરી વેપારીને મારકૂટ કર્યા બાદ છુટ્ટા પત્થરનો ઘા કરી લોહીલુહાણ કરી નાખ્યો હતો. ભક્તિનગર પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. વેપારીએ હપ્તાના પૈસા નથી તેમ કહી પ્રોસેસ કરવાનું કહ્યું છતાં તેની ઉપર હુમલો કર્યો હતો.
જંગલેશ્વરના રાધાકૃષ્ણનગર મેઈન રોડ પર રહેતો જશપાલ જમોડ (ઉ.વ. 30) આહિર ચોક સર્કલ પાસે ઈલેકટ્રિકની દુકાન ધરાવે છે. જયાં અક્ષયગીરી ગૌસ્વામી કામ કરે છે. ફરિયાદ મુજબ જશપાલ અને તેનો માણસ આજે સવારે દુકાને હતા ત્યારે આદિત્ય બિરલા ફાઈનાન્સ કંપનીનો રિકવરી એજન્ટ મકસુદ અજાણ્યા શખ્સ સાથે આવ્યો હતો.
આવીને તેને કહ્યું કે તમારા હપ્તા ચડત છે, જે ભરવાના છે. જેથી જશપાલે કહ્યું કે હાલ મારી પાસે પૈસા નથી, તમે તમારી પ્રોસેસ કરી નાખો. જેથી ઉશ્કેરાઈ ગયેલા મકસુદ અને તેની સાથેના અજાણ્યા શખ્સોએ ગાળો ભાંડી કહ્યું કે લોન ભરવાની ત્રેવડ ન હોય તો શું કામ લોન લ્યો છો. ત્યાર પછી તેની સાથે બોલાચાલી કરી, ગડદાપાટુનો માર મારવાનું શરૂ કર્યું હતું.
ઝપાઝપીમાં બંને પક્ષો દુકાન બહાર નીકળી ગયા હતા. એવામાં અચાનક મકસુદે રોડ પર પડેલો પત્થર ઉપાડીને છુટ્ટો ઘા કરતાં જશપાલની ડાબી આંખના નેણ પર ઈજા થતાં લોહી નીકળવા લાગ્યું હતું. જેને કારણે તે પડી ગયો હતો. 108માં જઈ ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી હતી. તબીબોએ ઈજાની જગ્યા ઉપર ટાંકા લઈ ફેકચર થયાનું જણાવ્યું હતું.


