અમદાવાદમાં ‘SHE’ ટીમના ડ્રાઈવરનું કારસ્તાન, નશો કરીને પોલીસ જીપ ડિવાઈડર પર ચઢાવી દીધી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad News : ગુજરાતમાં દારૂબંધીના કડક અમલની વાતો વચ્ચે ખુદ પોલીસ વિભાગની ગાડીમાં દારૂની મહેફિલ જામી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અમદાવાદના નિકોલ વિસ્તારમાં ગત મોડી રાત્રે 'SHE ટીમ'ની એક સરકારી વાન ડિવાઈડર પર ચઢી ગઈ હતી. જ્યારે લોકોએ વાન પાસે જઈને જોયું તો અંદરના દ્રશ્યો જોઈને સૌ કોઈ દંગ રહી ગયા હતા.
શું હતી સમગ્ર ઘટના?
નિકોલના ભવાની ચોક પાસે ગઈકાલે મોડી રાત્રે આ ઘટના બની હતી. પૂરપાટ ઝડપે આવી રહેલી SHE ટીમની પોલીસ વાનના ચાલકે અચાનક સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને વાન સીધી રોડના ડિવાઈડર પર ચઢાવી દીધી હતી. અકસ્માતનો અવાજ સાંભળીને આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા.
નશામાં ધૂત ચાલક અને દારૂની મહેફિલ
સ્થાનિકો જ્યારે વાન પાસે પહોંચ્યા ત્યારે તેમણે જોયું કે, વાનચાલક એટલી હદે નશામાં હતો કે તે ભાનમાં પણ નહોતો. ચોંકાવનારી વાત તો એ છે કે, જે વાન મહિલાઓની સુરક્ષા માટે કાર્યરત છે, તેની અંદરથી દારૂની બોટલ અને દારૂ ભરેલો ગ્લાસ મળી આવ્યો હતો. પોલીસની જ ગાડીમાં દારૂની બોટલો જોઈને હાજર રહેલા લોકો ભારે રોષે ભરાયા હતા અને હોબાળો મચાવ્યો હતો.
પોલીસની કાર્યવાહી
ઘટનાની જાણ થતા જ નિકોલ પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે સ્થિતિ થાળે પાડી નશામાં ધૂત ચાલકની અટકાયત કરી તેને પોલીસ સ્ટેશન લઇ જવાયો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, આ વાન નિકોલ પોલીસ સ્ટેશનની SHE ટીમની છે, પરંતુ તેનો ચાલક પોલીસકર્મીને બદલે આઉટ સોર્સિંગ (કોન્ટ્રાક્ટ) દ્વારા લેવામાં આવેલો ડ્રાઈવર છે.
આ ઘટનાએ પોલીસ તંત્રની કામગીરી અને શિસ્ત સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. લોકોમાં ચર્ચા છે કે જો સુરક્ષા આપતી ગાડીઓમાં જ આવી પ્રવૃત્તિઓ થતી હોય, તો સામાન્ય જનતાની સુરક્ષાનું શું?








