Gujarat

'તારે મારી સાથે સંબંધ રાખવો છે કે નહિ' કહી મહિલાના મોપેડને ટક્કર મારી

By GS Team
13 Feb 20242 mins read
This article was originally published on 13 Feb 2024
'તારે મારી સાથે સંબંધ રાખવો છે કે નહિ' કહી મહિલાના મોપેડને ટક્કર મારી

ગાંધીનગરમાં ઘ પાંચ સર્કલ પાસે

વસાહતમાં જ રહેતા શખ્સનું કારસ્તાન : મહિલાની ફરિયાદના આધારે પોલીસે છેડતીનો ગુનો દાખલ કર્યો

 ગાંધીનગર : ગાંધીનગર શહેરના જુના સેક્ટરમાં રહેતી પરણીતાને તેની જ વસાહતમાં રહેતા શખ્સ દ્વારા છેલ્લા ઘણા સમયથી હેરાન કરવામાં આવતી હતી અને આ વખતે તેણીના મોપેડને ટક્કર મારી સંબંધ રાખવા દબાણ કરવામાં આવતા સેક્ટર-૨૧ પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેના આધારે પોલીસે વધુ તપાસ શરૃ કરી હતી.

આ અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ગાંધીનગર શહેરના જુના સેક્ટરમાં રહેતી પરણીતાના પતિ અન્ય રાજ્યમાં રહેતા હોવાથી તે તેના પિતાના ઘરે રહે છે. પિતા દુકાન ચલાવતા હોવાથી અવારનવાર તેમની મદદે જતી હોય છે ત્યારે સોસાયટીમાં રહેતો શખ્સ છેલ્લા ઘણા સમયથી આ પરણીતાને સંબંધ રાખવા માટે દબાણ કરતો હતો. ગત સાત ફેબુ્રઆરીના રોજ પરણીતા તેનું મોપેડ લઈને ઘરેથી નીકળી હતી તે દરમિયાન આ શખ્સ દ્વારા તેનો પીછો કરવામાં આવ્યો હતો અને કહ્યું હતું કે, તું ઉભી રહે  મારી સાથે વાત કર પરંતુ આ પરણીતા ઉભી રહી ન હતી અને સેક્ટર ૨૪માં પરિણીતા ઉભી રહેતા કારમાંથી ઉતરીને આ શખ્સ દ્વારા તેને લાફો મારી દેવામાં આવ્યો હતો. જેના પગલે પરણીતા તેનું મોપેડ લઈને ઘ પાંચ તરફ ગઈ હતી તે દરમિયાન આ શખ્સ તેની પાછળ આવ્યો હતો અને મોપેડને ટક્કર મારી હતી. જેથી તે નીચે પડી ગઈ હતી અને તારે મારી સાથે સંબંધ રાખવો છે કે નહીં તેમ કહી ગાળા ગાળી કરવામાં આવી હતી. ઘાયલ પરણિતાને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે ખસેડવામાં આવી હતી ત્યારે તેની ફરિયાદના આધારે પોલીસ દ્વારા આ શખ્સ સામે છેડતીનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરવામાં આવી છે.