Gujarat

હિન્દુ સ્ટડીઝનો કોર્સ ડચકા ખાવા માંડયો, હંગામી અધ્યાપકોના પગારના પણ ફાંફા

By GS TEAM
21 Feb 20261 min read
હિન્દુ સ્ટડીઝનો કોર્સ ડચકા ખાવા માંડયો, હંગામી અધ્યાપકોના પગારના પણ ફાંફા

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીમાં નવી શિક્ષણ નીતિના ભાગરુપે શરુ કરાયેલો હિન્દુ સ્ટડીઝનો બીએ ઓનર્સ કોર્સ ચાર જ વર્ષમાં ડચકા ખાવા લાગ્યો છે.કોર્સમાં વિદ્યાર્થીઓની પૂરતી સંખ્યાના અભાવે  હવે સંચાલન કરવા માટેનું ભંડોળ ખૂટી ગયું છે.

સૂત્રોનું કહેવું છે કે, વર્તમાન શૈક્ષણિક વર્ષની શરુઆતમાં જ્યારે હંગામી અધ્યાપકોની ભરતી કરવામાં આવી હતી ત્યારે જ એકાઉન્ટ વિભાગે તમામ ફેકલ્ટી ડીન્સને જાણ કરી હતી કે, હાયર પેમેન્ટ કોર્સમાં પૂરતુ ભંડોળ હોય અને પગાર કરવાના પૈસા હોય તો જ હંગામી અધ્યાપકોની ભરતી કરજો.નહીંતર વિઝિટિંગ ફેકલ્ટીથી કામ ચલાવજો.

આમ છતા હિન્દુ સ્ટડીઝના કોર્સમાં ચાર હંગામી અધ્યાપકોની ભરતી કરવામાં આવી હતી.કોર્સમાં કુલ મળીને ૫૦ વિદ્યાર્થીઓ પણ નથી અને તેના કારણે પહેલા ત્રણ મહિના પગાર  થયા બાદ હંગામી અધ્યાપકોને પગાર મળતો બંધ થઈ ગયો છે.હવે યુનિવર્સિટીની એક્ઝિક્યુટિવ કાઉન્સિલે વિશેષ કિસ્સામાં આ ચાર અધ્યાપકોનો પગાર ફેકલ્ટીના ડેવલપમેન્ટ ફંડમાંથી કરવા માટે મંજૂરી આપી છે.

જોકે આ નિર્ણયને લઈને પણ ગણગણાટ છે.કારણકે ડેવલપમેન્ટ ફંડ  માટે વિદ્યાર્થીઓ પાસે ફી લેવાય છે અને આ રકમનો ઉપયોગ વિદ્યાર્થીઓની સુવિધાઓ માટે થાય છે.તેમાંથી અધ્યાપકોનો પગાર કરવાનો ખોટો ટ્રેન્ડ શરુ કરવામાં આવ્યો છે.