Gujarat

સ્કૂલ-કોલેજોમાં હિજાબનો વિવાદ ન થાય તે તકેદારી રાખવા સૂચના

By GS Team
17 Mar 20221 min read
This article was originally published on 17 Mar 2022
સ્કૂલ-કોલેજોમાં હિજાબનો વિવાદ ન થાય તે તકેદારી રાખવા સૂચના

અમદાવાદ

કર્ણાટકની  એક કોલેજમાં મહિલાઓેના હીજાબ પહેરવા મુદ્દે થયેલા ભારે વિવાદ બાદ સમગ્ર દેશમાં આ મુદ્દે વાતાવરણ ઉગ્ર બન્યુ છે ત્યારે કેન્દ્ર સરકારે તમામ રાજ્યોની સરકારોને શિક્ષણ સંસ્થાઓમાં કોઈ ઘટના ન બને અને શાંતિ જળવાય તે માટે ખાસ તકેદારી રાખવા સૂચના આપી હતી.જેના પગલે રાજ્ય સરકારે પણ શિક્ષણની તમામ કચેરીઓને તકેદારી રાખવા પરિપત્ર કર્યો છે.

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા તાજેતરમાં  ઉચ્ચ શિક્ષણથી માંડી ગુજરાત શિક્ષણ બોર્ડ સહિતની તમામ કચેરીઓને પરિપત્ર કરીને જણાવવામા આવ્યુ હતુ કે  મહિલાઓને હિજાબ બાબતે થયેલા વિવાદ અન્વયે શાળાઓ કોલેજોમાં આ પ્રકારની કોઈ ઘટના ન બને અને કાનુની વ્યવસ્થા તેમજ સાર્વજનિક શાંતિ જળવાઈ રહે તે માટે ખાસ તકેદારી રાખવી.

સરકારના આદેશને પગલે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા પણ તમામ ડીઈઓને પરિપત્ર કરીને આ બાબતે જાણ કરવામા આવી હતી. મહત્વનું છે કે કર્ણાટકની કોલેજમાં  વિદ્યાર્થિનીઓના હિજાબ પહેરવાને લઈને સમગ્ર દેશમાં ભારે વિવાદ ઉભો થયો છે અને તાજેતરમાં કોર્ટે પણ આ મુદ્દે ચુકાદો આપ્યો છે.